• ભરત ભારદ્વાજ

ઉત્તરાખંડમાં તમામ નાગરિકો માટે એક સરખા અંગત કાયદા માટેના યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અમલ શરૂ થઈ ગયો પછી ભાજપ શાસિત ગુજરાત પણ જાગ્યું છે. ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટે કમિટીની રચનાની જાહેરાત કરાઈ છે. મંગળવારે બપોરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરીને યુસીસી માટે સમિતિ બનાવવાનું એલાન કરી દીધું.

Also work : ઈઝરાયલ- હમાસ વચ્ચે યુદ્ધવિરામ: ટકશે ખરો?

ઉત્તરાખંડ સરકારે બનાવેલી કમિટીનાં ચેરમેન જસ્ટિસ રંજના દેસાઈ આ કમિટીનાં ચેરમેન છે જ્યારે દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફ, એડવોકેટ આર.સી. કોડેકર અને સી.એલ.

મીણા તેનાં સભ્ય છે. આ સમિતિ યુસીસી અંગેના કાયદામાં કેવી જોગવાઈઓ રાખવી તેની ભલામણ રાજ્ય સરકારને કરશે અને તેના આધારે વિધાનસભામાં ખરડો પસાર કરીને ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટેનો કાયદો બનશે. આ કાયદો ઉત્તરાખંડ સરકારે અમલી બનાવેલા યુસીસી કાયદાની ડીટ્ટો કોપી હોય એવી પ્રબળ શક્યતા છે.

ગુજરાત સરકાર યુસીસી મામલે બહુ મોડી મોડી જાગી છે કેમ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ગજવીને ચૂંટણીઢંઢેરામાં યુસીસી લાવવાનું વચન આપ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ એ પહેલાં જ ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ કાર્ડ ખેલી નાખેલું.

2022માં જ યોજાયેલી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે એલાન કરેલું કે, અમે ફરી ચૂંટાઈશું તો યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરીશું. ગુજરાતની સાથે જ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હતું. ભાજપે આ ચૂંટણીના એકાદ વરસ પહેલાં હિમાચલ પ્રદેશમાં પણ ફરી સત્તામાં આવીશું તો યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરીશું એવી જાહેરાત કરી નાખી હતી. ગુજરાતમાં પણ ભાજપે એ જ તર્જ પર ફરી સત્તામાં આવીશું યુનિફોર્મ સિવિલ કોડ લાવીશું એવું એલાન કરી નાખ્યું હતું.

ઉત્તરાખંડમાં ભાજપે સત્તામાં વાપસી પછી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો લાગુ કરવા માટેની પ્રક્રિયા નક્કી કરવા સમિતિ બનાવી હતી. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે પણ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સમિતિની રચનાની જાહેરાત કરી હતી.

Also work : રેગ્યુલેટરના હિટ લિસ્ટમાં સપડાયા એનાલિસ્ટ

ચૂંટણીની જાહેરાત પહેલાંની રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની વાતને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ પછી ભાજપે એલાન કર્યું હતું કે, ભાજપ જીતીને ફરી સરકાર બનાવશે તો યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ક્યાં પગલાં લેવાં એ નક્કી કરવા સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક કમિટી બનાવશે.

આ સમિતિમાં ત્રણ કે ચાર બંધારણીય અને કાનૂની નિષ્ણાત હશે. સમિતિ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં અને લાગુ કરવો હોય તો કેવી રીતે કરવો તેની ભલામણો કરશે.

ગુજરાતમાં ભાજપ સત્તામાં આવી ગયો એ વાતને બે વર્ષથી વધારે સમય થઈ ગયો પણ ભાજપ યુનિફોર્મ સિવિલ કોડની વાત જ નહોતો કરતો. હવે ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ થઈ ગયો પછી ગુજરાતમાં પણ ભાજપ સફાળો જાગ્યો છે અને સમિતિ બનાવી છે. આ સમિતિનો અહેવાલ આપવા માટેની સમયમર્યાદા નક્કી કરાઈ છે પણ ભારતમાં કોઈ કામ સમય પ્રમાણે થતું નથી એ જોતાં સમય તો લાગશે જ.

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે 27 મે, 2022ના રોજ નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી અને તેના લગભગ પોણા બે વર્ષ પછી 02 ફેબ્રુઆરી, 2024ના રોજ નિષ્ણાત સમિતિએ ચાર ભાગમાં પોતાનો અહેવાલ આપ્યો હતો.

યુનિફોર્મ સિવિલ કોડ બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં 07 ફેબ્રુઆરી, 2024ના રોજ પસાર થયું ને રાષ્ટ્રપતિ તરફથી બિલને 11 માર્ચ, 2024ના રોજ મંજૂરી મળી ગયેલી. ગેઝેટમાં ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ એક્ટને લગતું નોટિફિકેશન પણ 12 માર્ચ 2024ના રોજ બહાર પાડી દેવાયું પણ યુનિફોર્મ સિવિલ કોડ એક્ટના નિયમોની મંજૂરી સહિતનાં કામોમાં બીજા દસેક મહિના નીકળી ગયા અને છેક હમણાં 20 જાન્યુઆરી, 2025ના રોજ તેનો અમલ થયો. મતલબ કે, લગભગ પોણા ત્રણ વર્ષ લાંબી પ્રક્રિયા પછી ગુજરાતમાં યુસીસીનો અમલ થયો.

Also work : ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ટાપુ અબજો ડૉલર આપીને ખરીદવા માગે છે?

ગુજરાતમાં કદાચ એટલો લાંબો સમય નહીં લાગે કેમ કે ઉત્તરાખંડ સરકારના યુનિફોર્મ સિવિલ કોડના રૂપમાં માળખું તૈયાર છે પણ તેને ગુજરાતના સંદર્ભમાં ઢાળવાનું છે છતાં બે વર્ષ ગણીને ચાલવું પડે. મોટા ભાગે તો ગુજરાતમાં 2027ના નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં યુસીસીનો અમલ થાય એવી શક્યતા વધારે છે.

ગુજરાત સરકારે મોડે મોડે પણ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાનું નક્કી કરીને સારું કર્યું પણ આ બધા પ્રયત્નો અધૂરા મનના છે. વાસ્તવમાં ભાજપે રાષ્ટ્રીય સ્તરે તેનો અમલ કરવાની હિંમત બતાવવી જોઈએ. ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ બંધારણે સ્વીકારેલો સિદ્ધાંત છે.

1956માં સંસદે ઠરાવ કર્યો હતો કે, દેશના તમામ નાગરિકો માટે લગ્ન સહિતની અંગત બાબતોને લગતા કાયદા એકસરખા હોવા જોઈએ. દેશના બંધારણમાં કલમ 44 હેઠળ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલના સૂચનનો સમાવેશ પણ કરાયો છે. આ સૂચનમાં સ્પષ્ટપણે લખાયું છે કે, દેશના તમામ નાગરિકો માટે એકસરખા પર્સનલ લૉ હોવા જોઈએ.

યુનિફોર્મ સિવિલ કોડના મૂળમાં ભારતના બંધારણે આપેલો સમાનતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. આપણા બંધારણમાં કલમ 14 હેઠળ સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. તેના આધારે યુનિફોર્મ સિવિલ કોડના સિદ્ધાંતનો સ્વીકાર થયો છે. ભારતમાં બંધારણનું અર્થઘટન કરવા માટે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ મનાય છે.

સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાની તાકીદ કરતો ચુકાદો ઓક્ટોબર 2015માં આપેલો. સુપ્રીમ કોર્ટે કહેલું કે, દેશમાં દરેક ધર્મના લોકો માટે અલગ અલગ કાયદા હોય એ ના ચાલે તેથી સમાન કાયદા ધરાવતો યુનિફોર્મ સિવિલ કોડ અમલી બનાવો. સુપ્રીમ કોર્ટે ચીમકી પણ આપી હતી કે, સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો અમલ નહીં કરે તો પોતે ફરમાન કરીને યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરાવવો પડશે. 2019માં ફરી સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરી હતી છતાં હજુ દેશભમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ નથી થયો.

Also work : બૅન્કિંગ ફ્રોડનું બૉમ્બાર્ડિંગ: છ મહિનામાં અધધધધ આઠ ગણો ફ્રોડમાં ઉછાળો

ભાજપ પોતાનું શાસન છે એવાં એક પછી એક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરાવવા માટેના કાયદા બનાવે છે પણ એ કાયદા બંધારણીય રીતે ટકે એમ નથી કેમ કે કોઈ રાજ્ય નાગરિકતાને લગતા કાયદા ના બનાવી શકે. ભાજપ ગમે તે કારણોસર રાષ્ટ્રીય સ્તરે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની હિંમત બતાવી નથી શકતો તેથી યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ભાજપ શાસનના 10 વર્ષ પછી પણ લટકેલો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને