અમદાવાદઃ ખ્યાતિ કાંડનો ડાયરેક્ટર કાર્તિક પટેલ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ કાર્તિક પટેલ તેની બીમાર પત્નીની સારવાર માટે દુબઈથી અમદાવાદ આવ્યો હતો. ઘટના બની તે સમયે ઑસ્ટ્રેલિયામાં હતો. આ પછી દુબઈ આવ્યો હતો અને સંબંધીઓના ઘરે રોકાયો હતો. પકડાઈ જવાના ડરથી તેણે મોબાઇલ પણ બદલી નાંખ્યો હતો. હૉસ્પિટલમાં નુકસાન બતાવવા તે ખોટા ખર્ચ બતાવતો હતો તેમજ વધુ ખર્ચ બતાવવા માટે ડૉક્ટરો તથા ડાયરેક્ટરની સેલરી પણ દર વર્ષે વધારતો હતો.
આ પણ વાંચો : ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ, નવસારી મોખરે
કાર્તિક પટેલ ઝડપાયા બાદ કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું દીકરી પાયલનો બજારમાં વરઘોડો કાઢવા વાળી ભાજપસરકારમાં , પૈસા માટે અનેક લોકોના જીવ લેનાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની હિંમત છે?
કાર્તિક વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરાઈ હતી
અમદાવાદના ખ્યાતિ હૉસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ડાયરેક્ટર સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી સામે આવતાં તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કાર્તિક પટેલને ઝડપવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તેના દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી
આગોતરા જામીન અરજી ફગાવાઈ હતી
ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનવણી યોજાઈ ગઈ હતી.જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીન નકારી નાખ્યા હતા. કાર્તિક પટેલે તેના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
ખ્યાતિ કાંડના પકડાયેલા આરોપીઓ
ખ્યાતિ કાંડમાં સૌથી પહેલા ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, ડૉ. સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને છેલ્લે કાર્તિક પટેલ ઝડપાયા હતા.
આ પણ વાંચો : ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી ઝડપ્યો, થશે અનેક ખુલાસા
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને