શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
અસુર દુર્ગમના પ્રકોપથી નદીઓ અને સમુદ્રો જળરહિત થઈ જતાં સંસારનાં સમસ્ત વૃક્ષ અને લતા સુકાઈ ગયાં, આનાથી પૃથ્વીવાસીઓનાં ચિત્તમાં દીનતા ઊભરાઈ આવી. સમસ્ત મનુષ્યોનાં અતિદુ:ખને જોઈ સપ્તર્ષિ દેવરાજ ઇન્દ્ર સમક્ષ પધારે છે. દેવરાજ ઇન્દ્ર, સપ્તર્ષિ સહિત દેવગણો બ્રહ્મલોક
પહોંચે છે.

બ્રહ્મદેવ: ‘ચતુર દુર્ગમે વરદાન માંગતી વખતે એવું વરદાન માંગ્યું છે કે કોઈ દેવતા એમનાં અસ્ત્ર કે શસ્ત્રથી તેનો વધ કરી શકે નહીં. હવે આપણી પાસે એક જ માર્ગ છે કે આપણે મહેશ્ર્વરી મહામાયા માતા પાર્વતીના શરણે જવું જોઈએ.’ બ્રહ્મદેવ સહિત સમસ્ત દેવગણ કૈલાસ પહોંચે છે. સમસ્ત દેવગણ માતા પાર્વતીની વંદના કરતાં કહે છે, ‘હે મહેશ્ર્વરી તમારી કૃપાદૃષ્ટિ સંસારવાસીઓ પર પાડો, તેમની રક્ષા કરો, દુર્ગમાસુરના પ્રકોપથી સમસ્ત સંસારનાં પ્રાણીઓ નષ્ટ થઈ જશે, હે મમતામયી તમે જેવી રીતે અસંખ્ય અસુરોનો વધ કર્યો તેમ દુર્ગમાસુરનો શીઘ્ર સંહાર કરો. દેવતાઓ અને સંસારવાસીઓ પર જ્યારે દુ:ખ આવે છે ત્યારે તમે જ અવતાર લઈને લોકોને સુખી કરો છો.’ દેવતાઓની પ્રાર્થના સાંભળીને મહેશ્ર્વરી માતા પાર્વતીએ એ સમયે પોતાનાં અનંત નેત્રોથી યુક્ત રૂપનું દર્શન કરાવ્યું. સંસારવાસીઓનાં કષ્ટ જોઈને માતા પાર્વતીનાં નેત્રોમાંથી કરુણાનાં આંસુ છલકાઈ આવ્યાં. માતા વ્યાકુળ થઈને લગાતાર આઠ દિવસ અને આઠ રાત રડતાં રહ્યાં. તેમનાં નેત્રોથી અશ્રુજલની હજારો ધારાઓ પ્રવાહિત થઈ, માતાના અશ્રુજલની ધારાઓથી સંસારના કૂવા, વાવડી, સરોવર, નદીઓ અને સમુદ્રોમાં અગાધ જળ ભરાઈ ગયાં. સંસારનાં સમસ્ત વૃક્ષ અને લતા ફરી લહેરાવાં લાગી. ફરી પૃથ્વી પર શાક, ફળ, મૂળ અને ઔષધિઓનાં અંકુર ઉત્પન્ન થવા લાગ્યા. મહેશ્ર્વરી માતા પાર્વતી શુદ્ધ હૃદયવાળા મહાત્મા પુરુષ અને સ્ત્રીઓને પોતાના હાથમાં રાખેલા ફળ વહેંચવા લાગ્યાં. એમણે ગાયોને સુંદર ઘાસ અને બીજાં પ્રાણીઓ માટે યથાયોગ્ય ભોજન પ્રસ્તુત કર્યાં. દેવતા, બ્રાહ્મણ અને મનુષ્યો સહિત સંપૂર્ણ પ્રાણીઓ સંતુષ્ટ થઈ ગયાં. મહેશ્ર્વરી માતા પાર્વતી આઠ દિવસ અને આઠ રાત રડતાં રહ્યાં તે દિવસો એટલે પૌષ સુદ આઠમથી પૌષ સુદ પૂનમ. ત્યારથી સંસારવાસી દેવી ભક્તો માતાને શાકંભરી માતા અને આ આઠ દિવસને પૌષી શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખે છે. આ પૌષી શાકંભરી નવરાત્રિના આઠ દિવસ દેવિ ભક્તો માતા શક્તિની ઉપાસના, ઉપવાસ અને વ્રત કરે છે.


માતા શાકંભરી પ્રાગટ્ય બાદ પૃથ્વી ફરી લીલીછમ થઈ ગઈ. અસુર સૈનિકો પૃથ્વી પર આવેલા પરિવર્તનથી આશ્ર્ચર્યચકિત હતા. સંસારના સમગ્ર માનવીઓ ભયમુક્ત થઈ ગયા. માનવોને ભયમુક્ત થયેલા જોઈ સેનાપતિ વિચલ દુર્ગમાસુર સમક્ષ ઉપસ્થિત થાય છે.

સેનાપતિ વિચલ: ‘મહાન દુર્ગમાસુરની જય હો, મહારાજ પૃથ્વી પર એક સ્ત્રી બેસીને આઠ દિવસ સુધી રડતી રહેતાં તેના નેત્રમાંથી એટલું જળ વહ્યું છે કે પૃથ્વી ફરી સજીવન થઈ ગઈ છે. પૃથ્વીના સમસ્ત કૂવા, વાવડી, સરોવર, નદીઓ અને સમુદ્રો અગાધ જળથી ભરાઈ ગયાં છે. હવે તો અસુર સેનાથી પૃથ્વીવાસીઓ ડરતા પણ નથી, તેઓ કહે છે કે અમારી માતા આવી ગઈ છે, હવે તમે અમને ડરાવી નહીં શકો.’

દુર્ગમાસુર: ‘માનવોની આટલી હિમ્મત…..’

સેનાપતિ વિચલ: ‘સ્વામી મારી એક વિનંતી છે, તમે તુરંત સ્વર્ગલોક પર આક્રમણ કરો અને દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણને બંદી બનાવો.’

દુર્ગમાસુર: ‘તમે જુઓ થોડા સમયમાં હું એ સ્ત્રીને મારી દાસી બનાવીશ.’


દેવતા, બ્રાહ્મણ અને મનુષ્યો સહિત સંપૂર્ણ પ્રાણીઓ સ્વસ્થ થઈ ગયાં, ત્યારે માતા શાકંભરીએ દેવતાઓને પૂછયું: ‘તમારાં બીજાં કયાં કાર્યો સિદ્ધ કરું.’

સપ્તર્ષિ: ‘માતા, આપે બધા લોકોને સંતુષ્ટ કરી દીધા છે, હવે કૃપા કરીને દુર્ગમાસુર દ્વારા કેદ કરાયેલા વેદ લાવીને અમને આપો જેથી જે વૈદિક ક્રિયાઓ નષ્ટ થઈ ગઈ છે, બ્રાહ્મણો અને દેવતાઓ દુરાચારી થઈ ગયા છે. કોઈ જગ્યાએ નથી દાન દેવાતું કે નથી તપ થતું. નથી યજ્ઞ થતા કે ન હોમ-હવન. દુર્ગમનો વધ જ આ બધી બદીઓને દૂર કરી શકશે.

માતા શાકંભરી: ‘તથાસ્તુ. હે દેવતાઓ, તમે સૌ દેવગણ તમારે ઘેર જાઓ, હું શીઘ્ર જ સંપૂર્ણ વેદ લાવીને તમને અર્પણ કરીશ.’

આ સાંભળીને બધા દેવતાઓ બહુ પ્રસન્ન થયા. તેઓ પ્રફુલ્લ નીલકમળ – સમાન નેત્રવાળાં જગત-જનની જગદંબાને પ્રણામ કરી પોતપોતાને ધામે ચાલ્યા ગયા. પછી તો સ્વર્ગ, અંતરિક્ષ અને પૃથ્વી પર બહુ મોટો ભયંકર કોલાહલ મચી ગયો એને સાંભળીને ભયાનક દુર્ગમાસુરે ચારે બાજુથી સ્વર્ગલોકને ઘેરી લીધો. ત્યારે માતા શાકંભરીએ દેવતાઓની રક્ષા માટે ચારે બાજુએ તેજોમય મંડળનું નિર્માણ કરીને સ્વયં એના ઘેરામાંથી બહાર આવી ગયાં. પ્રથમ માતા શાકંભરીને જોઈ અસુર વિચલ અટ્ટહાસ્ય કરે છે:

અસુર વિચલ: ‘હે દેવી, તમે કોઈ પણ હોવ, તુરંત અહીંથી ચાલી જાવ, તમે આ દેવગણોની સુરક્ષા નહીં કરી શકો.’

માતા શાકંભરી: ‘હે સેનાપતિ વિચલ, તમારી સાથે મને કોઈ વેર નથી, તમારા સ્વામી દુર્ગમાસુરને કહો કે, તમે જે ચાર વેદને કેદમાં પૂર્યા છે તેને મુક્ત કરો.’

એ જ સમયે દુર્ગમાસુર માતા શાકંભરી સમક્ષ ઉપસ્થિત થાય છે, પછી તો દૈત્ય દુર્ગમાસુર અને માતા શાકંભરી વચ્ચે ઘોર યુદ્ધનો આરંભ થાય છે. સમરાંગણમાં બંને બાજુઓથી કવચને છિન્નભિન્ન કરી નાખે તેવાં તીક્ષ્ણ બાણોનો વરસાદ થવા લાગ્યો. એ સમયે માતા શાકંભરીના શરીરથી માતા કાળી, માતા તારા, માતા છિન્નમસ્તા, માતા શ્રીવિદ્યા, માતા ભુવનેશ્ર્વરી, માતા ભૈરવી, માતા બગલા, માતા ધ્રૂમા, માતા ત્રિપુરસુંદરી દશમહાવિદ્યાઓ અસ્ત્ર-શસ્ત્ર સાથે લઈને નીકળે છે. સમસ્ત માતાઓ મસ્તક પર ચંદ્રમાનો મુગટ ધારણ કરેલી માતૃગણો સાથે દૈત્યોનું ભયંકર યુદ્ધ શરૂ થયું. સમસ્ત માતાઓએ દુર્ગમાસુરની સો અક્ષૌહિણી સેનાનો નાશ કરી દીધો. આ જોઈ દુર્ગમાસુર ક્રોધિત થઈ જાય છે અને માતૃગણો પર વધુ જોશથી આક્રમણ કરવા લાગ્યો, માતા શાકંભરી અને દુર્ગમાસુર વચ્ચે ભીષય યુદ્ધ થવા માંડ્યું. દેવી શાકંભરીએ ત્રિશૂળની ધારથી દુર્ગમાસુરનો વધ કરી નાખ્યો. દુર્ગમાસુર ખોદાઈ ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયો. આ રીતે દૈત્ય દુર્ગમાસુરનો ખાતમો થતાં ચારે વેદને મુક્ત કરી ફરી સપ્તર્ષિઓને આપી દીધા.

ચારે વેદ મુક્ત થતાં દેવતાઓ બોલ્યાં: હે દેવી તમે દુર્ગમાસુરનો વધ કર્યો હોવાથી તમને સંસારવાસીઓ ‘દુર્ગા’ તરીકે ઓળખશે. હે જ્ઞાનદાયિની આપને નમસ્કાર છે, આપ જગતમાતાને વારંવાર નમસ્કાર છે. અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરનારાં ભગવતી દુર્ગાને વારંવાર નમસ્કાર છે, આપ સુધી મન, વાણી અને શરીરની પહોંચ કઠણ છે. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ – એ ત્રણેય આપનાં નેત્ર છે. અમે આપના પ્રભાવને જાણતાં નથી, આપની સ્તુતિ કરવામાં અસમર્થ છીએ, તમે અમારા જેવા પર હંમેશાં દૃષ્ટિપાત કરીને આવી દયા કરતાં રહો, હે દેવી આપ નિરંતર વિઘ્ન-બાધાઓથી તિરસ્કૃત ન થાય અને આપ અમારા શત્રુઓનો આ રીતે જ નાશ કરતો રહો.’

માતા શાકંભરી: ‘તમે જ્યારે જ્યારે મારું આવાહન કરો છો ત્યારે હું હંમેશાં દોડી આવું છું, હું તમને મારાં બાળકોની જેમ સમજું છું, ચિંતા ન કરો, હું તમારી આપત્તિઓનું નિવારણ કરવા માટે સદૈવ તૈયાર છું. જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરો તરફથી બાધા ઉત્પન્ન થશે ત્યારે ત્યારે હું અવતાર લઈ પ્રજાજનોનું કલ્યાણ કરીશ.’ (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને