મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણી નજીક આવી રહી છે. નેતાઓ પાસે મતદારો સુધી પોતાની વાત પહોંચાડવા માટે થોડા જ દિવસો છે, તેમાં શિવાજી-માનખુર્દના ઉમેદવાર અને અજિત પવારની એનસીપીના નેતા નવાબ મલિકને મોટો ઝટકો લાગી શકે તેમ હતો. મેડિકલ બેકગ્રાઉન્ડ પર જેલમાંથી જામીન પર બહાર નીકળેલા મલિકની જામીન અરજી રદ કરવાની તાબડતોબ સુનાવણી કરવા માટેની અરજી હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે.
Also read: એકબાજુ વિરોધ, બીજી બાજુ ઉમેદવારીઃ નવાબ મલિકના પરિવારમાંથી કોને મળી ટિકિટ?
હાઈકોર્ટે ગુરુવારે એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા નવાબ મલિક (Nawab Malik)ને મંજૂર કરાયેલ વચગાળાના તબીબી જામીન રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય જામીન અરજી પર સુનાવણી 9 ડિસેમ્બરે થવાની હોવાથી કોર્ટે કહ્યું કે તે અરજી પર તે જ દિવસે સુનાવણી થશે.. કોર્ટે અરજદારને તેણે કરેલા આક્ષેપોને સાબિત કરતા પુરાવા રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
સેમસન પથારે નામના વ્યક્તિએ માનખુર્દ મતવિસ્તારથી વિધાનસભા ચૂંટણી લડી રહેલા નવાબ મલિક પર જામીનની શરતોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અરજીમાં શું હતા આક્ષેપો
આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે મલિકને વચગાળાના જામીન પર મુક્ત કરતી વખતે સુપ્રીમ કોર્ટે એવી શરત મૂકી હતી કે તે સ્પેશિયલ પીએમએલએ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં રહે. જો કે, પઠારેએ આરોપ લગાવ્યો છે કે મલિક સ્પેશિયલ કોર્ટની પરવાનગી લીધા વિના ચાર દિવસ સુધી મુંબઈની બહાર રોકાયા હતા. બીજું કે મલિકે તબીબી આધાર પર જામીન માંગ્યા હતા, પરંતુ જામીન પર છૂટ્યા બાદ મલિક એક વખત પણ હોસ્પિટલમાં દાખલ થયા નથી. તેઓ સતત પ્રવાસ પર છે અને ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. ઉપરાંત, અરજદારોએ આરોપ લગાવ્યો છે કે મલિક સાક્ષીઓને પણ ધમકાવી રહ્યા છે.
Also read: ઉદ્ધવ અને પવારના વિરોધ છતાં મોદી વકફ એક્ટમાં સુધારો કરશે: અમિત શાહ
નવાબના વકીલે કહ્યું કે…
મલિકના વકીલોએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. વિશેષ અદાલતની પરવાનગી બાદ જ મલિકે મુંબઈની બહાર પ્રવાસ કર્યો હતો. તેણે કોર્ટને એમ પણ કહ્યું કે અરજદારોએ સાક્ષીને ડરાવવાના કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
કોર્ટ આ સુનાવણી 9મી ડિસેમ્બરે કરશે. તે પહેલા જનતાની અદાલત 20મીએ મતદાન કરી નવાબ મલિક માટેનો ચૂકાદો આપશે, જે 23એ જાહેર થશે.