miraculous rescue successful  kutch creek

ભુજઃ પાકીસ્તાનની જળસીમાની તદ્દન નજીક આવેલા કચ્છના લખપત તાલુકાના મુધાન નજીકના ક્રીક વિસ્તારમાં પાણીનું સ્તર માપવા ગયેલા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ નામની કંપનીના ત્રણ કર્મચારીઓની ગત મોડી રાત્રે બોટ પલટી જતા તેઓ લાપતા બની જતાં ભારે દોડધામ થઇ હતી.

Also work : ખ્યાતિ કાંડઃ કાર્તિક પટેલની નફ્ફટાઈ- કહ્યુંઃ લાંબો સમય જેલમાં જ રહેવાની તૈયારી સાથે પરત ફર્યો છું

કેડ સમા ખારા પાણીથી છલોછલ અફાટ રણની વચ્ચે શિયાળાની અંધારી રાતના વિખૂટા પડી ગયેલા કર્મચારીઓની સરહદી સલામતી દળ, પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા ૧૬ કલાકથી લાંબા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પીલર નંબર ૧૧૭૦ પાસેથી હેમખેમ મળી આવતા સૌએ રાહતનો દમ લીધો હતો.

શું બની હતી ઘટના અને કેવી રીતે થયો બચાવ
આ ઘટના અંગે સીમા સુરક્ષા દળના ડીઆઈજી અનંતસિંહના જણાવ્યા મુજબ, કચ્છના હાજીપીર વિસ્તારમાં વોટર લેવલ સર્વેની કામગીરી કરતી આ કંપનીના એન્જીનિયર કરણસિંહ ઋતુરાજસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર કાલુરામજી ખરેટીયા તેમજ ઓપરેટર આદર્શ કુમાર લાલપ્રસાદ ગત શુક્રવારે સર્વે બાદ અટપટા ક્રિક વિસ્તારમાં પાણીનું સ્તર માપવાની કામગીરી માટે એક બોટ મારફતે નીકળ્યા હતા. મોડી રાત્રે તેઓની બોટ અચાનક પલટી મારી જતા આ ત્રણેય કર્મચારીઓ કંપનીના અધિકારીઓ સાથે સંપર્ક વિહોણા બન્યા હતા.

લાંબા સમય સુધી તેઓની ભાળ ન મળતાં કંપનીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક બીએસએફ, નરા પોલીસ તેમજ જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવતાં સંવેદનશીલ વિસ્તારમાં એક સાથે ત્રણ લોકો લાપતા બનતા વિવિધ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી અને શનિવારે વહેલી સવારથી જ આ ત્રણેય કર્મચારીઓની શોધખોળ માટે હરામીનાળામાં થઈને સીમા દળની બોટમાં આધુનિક ડ્રોન અને જીપીએસ સાધનોથી સજ્જ બચાવ ટુકડીને તાબડતોબ રવાના કરી દેવાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પણ સ્થિતિની ગંભીરતા સમજીને લશ્કર અને વાયુદળ પાસેથી માંગેલા હેલિકોપ્ટરને જામનગરથી મોકલાવાની તજવીજ હાથધરી હતી.

Also work : ભુજ-દિલ્હી ફલાઈટની શુભ શરૂઆતઃ પ્રથમ દિવસે જ ૯૬ ટકા સિટ બુક

ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કપરું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે સીમા સુરક્ષા દળની બચાવ ટુકડીની બોટને તેના ડ્રોન કેમેરાના મોનિટરમાં પાણીમાં આડાં પડી ગયેલાં હેવી વાહનનાં ટાયર પર ઉગરવાની રાહ જોઈ રહેલા ત્રણે કર્મી દેખાઈ આવતાં બોટને તે તરફ વાળી દેવાઈ હતી. બપોરે બે વાગ્યાના અરસામાં આ ત્રણ કર્મીનું લોકેશન મળી આવ્યું અને તેમને સીમા દળની બોટે ઉગારી લીધા હતા અને મોડી સાંજે આ ત્રણેય લક્કી કર્મીઓને હરામીનાળાની જેટી પર હેમખેમ અવસ્થામાં પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને