મુંબઈ: ચૂનાભઠ્ઠીના બિલ્ડર પાસેથી 10 કરોડ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ભૂતપૂર્વ નગરસેવક અને આટીઆઈ કાર્યકર સહિત ચાર જણની ધરપકડ કરી હતી. અનેક આરટીઆઈ અરજીઓ કરીને તેમ જ બ્લૅકમેઈલ કરી નાણાં ન આપે તો વરલી અને માહિમના એસઆરએ પ્રોજેક્ટ અટકાવી દેવાની ધમકી બિલ્ડરને અપાઈ હતી.
Also work : યુગાન્ડાની મહિલા 13.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાઇ
ભાયંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં શનિવારે નોંધાયેલા એફઆઈઆર અનુસાર બિલ્ડરનું વરલી અને માહિમમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળના બે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં બિલ્ડરને તેના આર્કિટેક્ટે માહિતી આપી હતી કે શિવસેના (યુબીટી)ના નાલાસોપારાના ભૂતપૂર્વ નગરસેવક સ્વપ્નિલ બાંદેકર અને તેના ત્રણ સાથીએ પ્રોજેક્ટ સંબંધી માહિતી પ્રાપ્ત કરવા માટે આરટીઆઈ (માહિતી અધિકાર) હેઠળ અરજી કરી છે. બાંદેકરના ત્રણ સાથીમાં એક આરટીઆઈ કાર્યકર હોવાનું કહેવાય છે. જોકે બિલ્ડરે આર્કિટેક્ટને કહ્યું હતું કે તેમણે જરૂરી બધી પરવાનગીઓ લીધી છે.
ફરિયાદમાં જણાવાયું હતું કે 22 ઑક્ટોબરે બાંદેકર, કથિત આરટીઆઈ કાર્યકર હિમાંશુ શાહ અને અન્ય બે જણ માટુંગાની એક કૉફી શૉપમાં ફરિયાદીને મળ્યા હતા. ત્યાં બાંદેકરે ફરિયાદીને આરટીઆઈ હેઠળની અરજીઓ અને બિલ્ડર વિરુદ્ધની ફરિયાદો અંગે જાણ કરી હતી. તે સમયે બાંદેકરે 10 કરોડ રૂપિયા ચૂકવવામાં નહીં આવે તો ફરિયાદી કોઈ પ્રોજેક્ટ પૂરો કરી નહીં શકે, એવી કથિત ધમકી આપી હતી.
ફરિયાદીએ આટલી મોટી રકમ ન હોવાથી પચીસ લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. આ વાતને લઈ બાંદેકર રોષે ભરાયો હતો અને ગાળાગાળી કરી હતી. ગોળીબાર કરી ફરિયાદીને મારી નાખવાની ધમકી પણ તેણે આપી હતી. ધમકીથી ડરી ગયેલો બિલ્ડર દોઢ કરોડ રૂપિયા આપવા તૈયાર થયો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
Also work : વસઇમાં પિસ્તોલની ધાકે જ્વેલર્સની દુકાનમાંથી 71 લાખનાં ઘરેણાંની લૂંટ…
બાદમાં ફરિયાદીને નાણાં માટે વારંવાર કૉલ આવવા લાગ્યા હતા. પચીસ લાખ રૂપિયાના પ્રથમ હપ્તા સાથે બિલ્ડરને મીરા રોડ આવવાનું કહેવામાં આવ્યું હતું. આ પ્રકરણે બિલ્ડરે નવઘર પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે 15 લાખ રૂપિયા લઈને બિલ્ડરને ભાયંદરની એક હોટેલમાં મોકલ્યો હતો, જ્યાં એક આરોપીને રૂપિયા લેવા બોલાવવામાં આવ્યો હતો. રૂપિયા લેવા આવેલા શખસને છટકું ગોઠવીને બેસેલી પોલીસે તાબામાં લીધો હતો. તેણે આપેલી માહિતી પરથી બાકીના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને