morning musing books vs films
  • રાજ ગોસ્વામી

સર્વે નાનો છે, પણ મહત્ત્વનો છે. આપણે ભલે ટેકનોલોજીની દુનિયામાં જીવતા હોઈએ અને ઓનલાઈન મનોરંજન શોધતા હોઈએ, પણ ભારતમાં હજુ એક મોટો વર્ગ એવો છે, જેની પહેલી પસંદગી મોબાઈલ નહીં પણ પુસ્તકો છે.

Also work : મિજાજ મસ્તી : પીંછાથી છાતીમાં છૂંદાતી કથા: `ધ વેજિટેરિયન’

તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા વિશ્વ પુસ્તક મેળા'માં હિન્દી પ્રકાશન ગૃહરાજકમલ પ્રકાશને’ 4,528 વાચકોમાં એક સર્વે કર્યો હતો. તેમાં મોટાભાગના યુવા પેઢીના વાચકો હતા અને 40 પ્રતિશતથી વધુ મહિલાઓ હતી.

સર્વેમાં 74 ટકા વાચકોએ કહ્યું કે છપાયેલાં પુસ્તકો એમની પ્રથમ પસંદગી છે. કેવા વિષયનાં પુસ્તકો વધુ ગમે એના જવાબમાં 39 પ્રતિશત વાચકોએ નોન-ફિક્શન પુસ્તકો પર પસંદગી ઉતારી હતી અને 37 પ્રતિશત વાચકોએ કથા-સાહિત્ય ગમતું હોવાનું કહ્યું હતું. 36 પ્રતિશત વાચકોએ કહ્યું કે એ પોતાના ગમતા વિષય મુજબ પુસ્તકો ખરીદે છે, જયારે 28 પ્રતિશત વાચકોએ કહ્યું હતું કે કે એ લેખકનું નામ જોઈને પુસ્તક લે છે.

એ વાત સાચી છે કે લોકો ઓનલાઈન વધુ વાંચતા થયા છે, પરંતુ મુદ્રિત પુસ્તકો અદૃશ્ય થઇ જાય એવું નજીકના ભવિષ્યમાં તો શક્ય નથી. પશ્ચિમના દેશોમાં એવું અનુમાન છે કે ટેકનોલોજીમાં જે ઝડપે પ્રગતિ થઇ રહી છે તે જોતાં 2050 સુધીમાં કદાચ મુદ્રિત પુસ્તકોનું સ્થાન ઈ-બૂક લઇ લેશે. ભારત જેવા વિકાસશીલ અને ગરીબ દેશમાં દરેક માણસ પાસે ટેકનોલોજી આવી જાય અને દરેક માણસ ઈ-બૂક વાંચતો થાય તે સંભવ નથી.

એક સર્વે અનુસાર એક સરેરાશ વ્યક્તિ એક વર્ષમાં 33 પુસ્તકો વાંચી શકે. ગૂગલ બુક પ્રોજેકટના સોફ્ટવેર એન્જિનિયર લિઓનિડ ટેઈચર અનુસાર, વિશ્વમાં કુલ 13 કરોડ પુસ્તકો છે. `યુનેસ્કો’ અનુસાર દુનિયામાં દર વર્ષે 20 લાખ પુસ્તકો પ્રકાશિત થાય છે. વિકિપીડિયા પ્રમાણે, ભારતમાં દર વર્ષે 90,000 પુસ્તકો પ્રકાશિત થાય છે. પ્રાદેશિક ભાષાઓનાં પુસ્તકોની સંખ્યા તો અલગ જ હશે.

જ્યારે સિનેમા અને ટેલિવિઝનની ટેકનોલોજી આવી ત્યારે એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે લોકો પુસ્તકો વાંચવાનું બંધ કરી દેશે. એવું થયું નથી. તેનું એક પાયાનું કારણ એ છે કે પુસ્તક વાંચવું અને ફિલ્મ જોવી એ સમાન અનુભવ નથી. આપણે માત્ર જાણવા માટે નથી વાંચતા, આપણે જાણવાનો અનુભવ મેળવવા માટે પણ વાંચીએ છીએ. મુખ્યત્વે આ મનોવૈજ્ઞાનિક બાબત છે.

આપણે જયારે પુસ્તક વાંચતા હોઈએ ત્યારે તે આપણા મનને, કલ્પનાશક્તિને સક્રિય બનાવે છે, કારણ કે તેમાં આપણી સામે માત્ર શબ્દો જ હોય છે. આપણે શબ્દોનો સહારો લઈને તેમાં સૂચિત કરેલી વાત, માહિતી, લાગણી કે દ્રષ્ટિકોણને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. જો કથા-સાહિત્ય હોય તો આપણે તેનાં પાત્રો સાથે પરાનુભૂતિ કેળવીને તેમની મન:સ્થિતિ સમજવાનો પ્રયાસ કરીએ છે. આ સમગ્ર પ્રક્રિયામાં આપણું મન સતત સક્રિય હોય છે.

Also work : કેન્વાસ : જેન્ડર ઇક્વાલિટી… ભ્રમણા કે માન્યતા?!

બીજી તરફ, ફિલ્મ મનને નિષ્ક્રિય બનાવી દે છે. જે કામ મન પુસ્તકમાં કરે છે, તે કામ ફિલ્મ જાતે કરે છે. ફિલ્મમાં મને કશી કલ્પના કરવાની રહેતી નથી કોઈ અનુમાન કરવાનું રહેતું નથી. ફિલ્મમાં તમને જરૂર છે તે તમામ જાણકારી વિઝ્યુઅલ્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમાં તમારે પાત્રોની મન:સ્થિતિ, વિચારો કે લાગણીઓ વિશે ધારણા બાંધવાની જરૂર નથી હોતી. પાત્રો તમને બધી જ લાગણીઓ અને વિચારો `વગર મહેનતે’ પહોંચાડી દે છે.

ફિલ્મ આપણને સતહ પર રાખે છે, પુસ્તક આપણને ગહેરાઇમાં લઇ જાય છે. પુસ્તકમાં આપણને બધું જ કહેવામાં આવે છે, પણ કશું જ બતાવવામાં નથી આવતું એટલે આપણું મગજ જાતે જ વિઝ્યુઅલ્સ સર્જે છે. ફિલ્મમાં જેટલું કહેવાનું હોય છે એટલું જ બતાવવામાં આવે છે એટલે મગજે કશું વિઝ્યુલાઈઝ કરવાનું રહેતું નથી. પુસ્તકમાં આપણી આંખો શબ્દો વાંચે છે, અને મગજ ફિલ્મ બનાવે છે.

પુસ્તકમાં કલ્પના પર આપણું સંપૂર્ણ નિયંત્રણ હોય છે જ્યારે ફિલ્મમાં કલ્પનાનું નિયંત્રણ બીજાના હાથમાં હોય છે. ફિલ્મ જોવી એ ડ્રાઇવર સાથે બેસીને મુસાફરી કરવા જેવું છે. કાર તેજ હોય કે ધીમી, કાર ડાબે જાય કે જમણે, એ ડ્રાઇવરના હાથમાં હોય છે. આપણે એના ડ્રાઇવિંગ પ્રમાણે ચાલવાનું હોય છે. પુસ્તક વાંચવું એ જાતે કાર ચલાવવા જેવું છે. દિશા પર અને કાર પર આપણો સંપૂર્ણ કાબૂ હોય છે. આપણે ઈચ્છા પડે ત્યાં વળીએ, ઊભા રહીએ, તેજ કે ધીમા થઈ શકીએ છીએ.

ફિલ્મ મનોરંજનનું માધ્યમ છે. પુસ્તકો જ્ઞાનનું માધ્યમ છે. દુનિયામાં જે પણ પરિવર્તન આવ્યું છે તે જ્ઞાનના કારણે આવ્યું છે અને એમાં પુસ્તકોની ભૂમિકા જબરદસ્ત રહી છે. પુસ્તકો વાંચવાના 1,000 વર્ષના માનવ ઈતિહાસ પછી, કોઈ એમ પૂછે કે વ્યક્તિગત રીતે તેના સૌથી પ્રમુખ ફાયદા શું છે તો તેમાં પાંચ વાત ઊભરીને આવે, જેમકે…

1) શબ્દભંડોળમાં સુધારો:

પુસ્તકો વાંચવાથી શબ્દભંડોળમાં નોંધપાત્ર વધારો થાય છે. જેમ જેમ તમે નવા શબ્દો અને વિભાવનાઓનો સામનો કરો છો, તેમ તેમ તમે જ્ઞાનમાં વધારો કરો છો અને ભાષાની વધુ સારી સમજણ વિકસાવો છો.

2) માનસિક સ્વાસ્થ્યમાં વધારો:

વાંચન એ આરામ અને તણાવ દૂર કરવાની શ્રેષ્ઠ રીત છે. તે રોજિંદા જીવનની હાડમારીમાંથી માનસિક મુક્તિ આપે છે. સ્ટે્રસ દૂર કરવા અને વિરામ કરવા માટે પુસ્તકનું વાંચન ઉત્તમ ઉપાય છે.

3) જ્ઞાનને વિસ્તૃત કરે છે:

પુસ્તકો તમને કોઈ પણ વિષય પર જ્ઞાનની સંપત્તિ પ્રદાન કરે છે. પુસ્તકો તમને વિજ્ઞાન અને ઇતિહાસથી માંડીને રાજકારણ અને ફિલસૂફી સુધીની દરેક બાબત વિશે શીખવે છે અને વિશ્વની તમારી સમજણને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. પુસ્તકો વાંચીને તમે વધુ જાણકાર વ્યક્તિ બની શકો છો, જે વિચારશીલ ચર્ચા માટે તમને સજ્જ કરે છે.

4) ભાવનાત્મક બુદ્ધિમાં સુધારો:

પુસ્તકો વાંચવાથી તમને સહાનુભૂતિ વિકસાવવામાં, વિવિધ પરિપ્રેક્ષ્યોને સમજવામાં અને ભાવનાત્મક બુદ્ધિનું નિર્માણ કરવામાં મદદ મળે છે. તમારી જાતને પુસ્તકનાં વિવિધ પાત્રો અને વાર્તાઓ સાથે જોડીને, તમે માનવ સ્વભાવ અને લાગણીઓની વધુ સમજણ વિકસાવી શકો છો. આ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન બંને માટે ફાયદાકારક બને છે.

Also work : સુખનો પાસવર્ડ : આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુની સંઘર્ષમય પ્રેરકકથા

5) કલ્પનાશક્તિમાં વધારો:

પુસ્તકો કલ્પનાને ઉત્તેજીત કરે છે, તમને દૃશ્યો અને પાત્રોની કલ્પના કરવામાં મદદ કરે છે. બાળકો માટે આ વિશેષ ફાયદાકારક છે, કારણ કે તેનાથી એમને સર્જનાત્મક વિચારો અને સમસ્યાનું સમાધાન કરવાની કુશળતા વિકસાવવામાં મદદ મળે છે. વાંચન તમને લેખનની વિવિધ શૈલીઓ સાથે પણ પરિચિત કરાવે છે, જે તમારા પોતાના લેખનને સુધારવામાં મદદ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને