Ancient banyan histrion   roots intertwined with Gujarati taste  symbols and Indo-European linguistic elements

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

આજે વિદેશી ધોળિયાઓ જે `પજામા’ પહેરે છે, પણ મૂળ અંગ્રેજી ભાષામાં આવો કોઈ શબ્દ નહોતો. પાય એટલે પગ અને જામો એટલે ઘૂંટણથી નીચે સુધી પહોંચતો ઘેરદાર પહેરવેશ એક પ્રકારનું અંગરખું તો શું એવો અર્થ તારવી શકાય, કે `પાયજામો’ એટલે પગમાં પહેરવાનું ઘેરદાર (મોકળાશવાળું) વસ્ત્ર? સાચો જવાબ કદાચ ભાષાશાસ્ત્રીઓ જ આપી શકે. જોકે, ભારતમાં સદીઓ સુધી ધોતિયા પછી પાયજામો બીજા ક્રમે રહ્યો. બ્રિટિશ કલ્ચરની અસર હેઠળ આપણે `પાટલૂન’ પહેરતા થયા બાદ પાયજામો હવે બહુધા નાઈટડે્રસ તરીકે વપરાય છે.

એક સમયે દક્ષિણ એશિયાને પ્રવાસે આવતા વિદેશીઓને આ `પજામા’નું ભારે આકર્ષણ રહેતું, જેને કારણે આખી દુનિયા પજામા-એટલે કે પાયજામા પહેરતી થઇ અને અંગ્રેજી ભાષાએ પણ `પજામા’ શબ્દ સ્વીકારી લીધો.ભાષાને પણ પોતીકો ઇતિહાસ હોય છે. દરેક સંસ્કૃતિના અભિન્ન અંગ જેવી ભાષાઓને પણ પોતીકી ફ્લેવર હોય છે. ખરી મજા ત્યારે આવે જ્યારે એક ભાષાનો શબ્દ હજારો માઈલનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડીને દૂરના ભૂખંડની ભાષામાં વણાઈ જાય. એમાંથી વળી કેટલાક શબ્દો ઘરવાપસી કરીને મૂળ ભાષામાં જુદા વર્ઝન તરીકે આવે એવું પણ બને. ભારતીય ઉપખંડની સંસ્કૃત ભાષા વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. એ સિવાય દેશની બીજી ઘણી ભાષાઓ પણ ખાસ્સી જૂની છે. આ ભાષાઓમાંથી સંખ્યાબંધ શબ્દો અંગ્રેજી સહિતની બીજી ભાષાઓમાં ગયા છે. ખાસ કરીને ભારત, ઈરાન અને યુરોપિયન દેશો વચ્ચે શબ્દોનો આવો વાટકીવહેવાર મોટા પાયે થયો છે. આ ભાષાઓનો સમૂહ `ઇન્ડો- યુરોપિયન લેન્ગ્વેજ ફેમિલી’ તરીકે ઓળખાય છે.

સોળમી સદીમાં ઘણા યુરોપિયન પ્રવાસીઓએ ભારતીય ઉપખંડની ભાષાઓ અને યુરોપિયન ભાષાઓ વચ્ચેની સમાનતાઓની નોંધ લીધી છે. એ કામ આજની તારીખે પણ ચાલુ જ છે. બ્રિટિશ મિશનરી થોમસ સ્ટીફન્સ ગોવા આવીને વસેલા અને કોંકણી ભાષાનો અભ્યાસ કરેલો. ઇસ 1583માં સ્ટીફન્સે પોતાના ભાઈને પત્ર લખેલો, જેમાં ભારતીય ભાષાઓ અને ગ્રીક, લેટિન ભાષાઓ વચ્ચેની સમાનતા અંગે વાત કરેલી. ફિલીપ્પો સાસેટ્ટી નામનો ઇટાલિયન વેપારી 1585માં નોંધે છે કે સંસ્કૃત અને ઇટાલિયન ભાષાના કેટલાક શબ્દોમાં સમાનતા છે.

આ બધા વચ્ચે સૌથી નોંધનીય કામ ધર્મ પ્રચાર અર્થે દક્ષિણ ભારત આવેલ ફ્રેંચ મિશનરી ગેસ્ટોન કોર્ડુએ કર્યું. ગેસ્ટોનની ગણના ટોચના ઇન્ડોલોજીસ્ટ (ભારતને લગતી બાબતોના નિષ્ણાત) તરીકે થાય છે. એણે અઢારમી સદી દરમિયાન સંસ્કૃત, લેટિન અને ગ્રીક ભાષાઓ વચ્ચે જોડાણ શોધવાના પ્રયાસો આદર્યા. ગેસ્ટોને સૌપ્રથમ વાર તેલુગુ-ફ્રેંચ-સંસ્કૃત ડિક્શનરી વિકસાવી, જે આજે પણ અધિકૃત મનાય છે. એ સિવાય પણ ઘણા સંશોધકોએ ઇન્ડો-યુરોપિયન શબ્દોમાં સંશોધનો કર્યાં છે. એક-બે રસપ્રદ ઉદાહરણો મમળાવીએ…

આમ તો ભારતીય ભાષામાંથી વિદેશી ભાષા ખાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્વીકૃતિ પામેલ શબ્દોની વાત આવે એટલે સૌથી પહેલો શબ્દ મનમાં આવે `અવતાર’. આ નામની જબરદસ્ત ફિલ્મ આવી ગઈ છે, એટલે સ્વાભાવિકપણે એની અસર હોવાની જ. પૃથ્વી પર પાપ વધી જાય અને ઈશ્વર કોઈક સ્વરૂપે જનમ લે, જેને અવતાર કહે છે. અવતાર શબ્દ અંગ્રેજી ભાષામાં સ્વીકૃતિ પામ્યો એ પછી એની અર્થછાયા વિસ્તરી છે. હવે તો સોશિયલ મીડિયાની ડીપી પણ `અવતાર’ તરીકે ઓળખાવા લાગી છે. આમ છતાં, જાણીને નવાઈ લાગશે કે હિન્દુ સંસ્કૃતિમાં પણ અવતાર શબ્દ ખાસ પૌરાણિક કહી શકાય એવો નથી. વૈદિક શાસ્ત્રોમાં આવો શબ્દ નથી, પણ ઈસુની છઠ્ઠી સદી અને ત્યાર પછી રચાયેલા સાહિત્યમાં એનો ઉલ્લેખ છે.

સંસ્કૃત ભાષામાંથી જ અંગ્રેજીમાં ગયેલો બીજો એક શબ્દ છે Crimson. રંગોના વિવિધ શેડ્સ માટે જુદા જુદા નામ હોય છે. જો કે જેની દુનિયા `જાનીવાલીપીનારા’ પૂરતી સીમિત છે, એવી અમારી ભલીભોળી પુષપ્રજાતિને આની ખબર હોવાની સંભાવના બહુ ઓછી છે. લાલ રંગના વિવિધ શેડ્સ માટે ચેરી, રોઝ, બ્લડ, વાઈન, સ્કાર્લેટ જેવા નામો વપરાય છે. `ક્રિમસન’ શબ્દ ઘેરા લાલ રંગનું નામ છે. સંપૂર્ણપણે વિદેશી લાગતો આ શબ્દ પણ સંસ્કૃત ભાષાની દેણ હોવાનું મનાય છે. ઈસુની ચૌદમી સદીથી આ શબ્દ અંગ્રેજી ભાષામાં હાજર છે. એ પહેલા મધ્યયુગીન સ્પેનિશ અને લેટિન ભાષાઓમાં (kermesinus A’hp carmesinus) એની હાજરી જોવા મળે છે. કર્મીઝ તરીકે ઓળખાતા કીડામાંથી બનતી ડાય માટે આ શબ્દ વાપરવામાં આવતો. અરબી અને ફ્રેંચ ભાષામાં પણ એના મૂળિયા છે. દરેક બોલી પ્રમાણે ઉચ્ચારોમાં સ્વાભાવિક રીતે જ ફરક આવે છે. જેમ કે અરબીમાં `કોરોમોઝી’ (qirmizi) બોલાતું. પણ તજજ્ઞોના મતે આ બધા શબ્દોના મૂળ સંસ્કૃત શબ્દ `કૃમિજ’માં રહેલા છે. કૃમિજ એટલે કૃમિ વડે બનેલ worm made.

એક ઓર શબ્દનો મજેદાર ઇતિહાસ જુઓ. જો તમે બાળવાર્તાઓ વાંચી હોય, તો એમાં ઘણી વાર `વટેમાર્ગુ’ શબ્દ વપરાતો. આ વટેમાર્ગુ એટલે મોટે ભાગે એક ગામથી બીજા ગામ જઈ રહેલો માણસ. મોટા ભાગના વટેમાર્ગુઓ ક્યાં તો યાત્રાએ નીકળ્યા હોય, અથવા ગામગામ ફરીને વેપાર કરવા નીકળ્યા હોય. અને માર્ગમાં થાક લાગે તો આ વટેમાર્ગુઓ વિશ્રામ ક્યાં કરે? કોઈ મોટા વૃક્ષ નીચે. આ મોટું વૃક્ષ એટલે વડનું ઝાડ. વડનું ઝાડ આપણી લોકસંસ્કૃતિ સાથે અભિન્ન અંગ તરીકે જોડાયેલું છે. વાર્તાઓથી માંડીને ધાર્મિક ઇતિહાસ સુધી તમને વટવૃક્ષની હાજરી જોવા મળે. ઋષિમુનિઓ પણ તપ કરવા આ વડના ઝાડનો છાંયડો જ પસંદ કરતા. જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથને વડના ઝાડ નીચે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી. જેટલા પણ યુરોપિયન પ્રવાસીઓ ભારત આવ્યા, એમણે જોયું કે અહીંયા વડનું ઝાડ બહુ મહત્ત્વનું છે. વળી વટવૃક્ષ નીચે આરામ કરનારા વટેમાર્ગુઓ પૈકી મોટા ભાગના `વાણિયા’ તરીકે ઓળખાતી વેપારી કોમ છે. આથી આ યુરોપિયનોએ વૃક્ષનું નામ વાણિયા, એટલે કે `બનિયા’ કોમના નામ પરથી જ પાડી દીધું `બનિયાં (Banyan) ટ્રી’. જે સમયાંતરે `બનિયન ટ્રી’ તરીકે જાણીતું થયું. માથે હાથ દેવા જેવી વાત એ છે કે જે દેશમાં આજે ય `વટસાવિત્રી પૂનમ’ ઉજવાય છે, એ દેશની નવી પેઢીને વડને બદલે `બનિયન ટ્રી’ બોલવાનું જ ફાવે છે!

એક આડવાત, વડનું ઝાડ આપણું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે, પણ કરમની કઠણાઈ એવી છે કે ભારતીય ભાષાના મૂળ શબ્દોને આપણે વિસારે પાડી દીધા છે. ઉલટાનું વિદેશીઓએ અપભ્રંશ કરેલા વર્ઝન્સને આપણે હોંશે હોંશે સ્વીકારી લીધા છે. આવી માનસિકતા માટે કોઈ શબ્દ ધ્યાનમાં છે ખરો?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને