(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો તેમ જ ભાવ વિક્રમ સપાટીની આસપાસ જ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ચાંદીમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં સોનામાં ધીમો સુધારો અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો વધુ 15 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 15નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 133ની પીછેહઠ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 133 ઘટીને રૂ. 95,292ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો 15 પૈસાના સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 84,333ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 84,672ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ સુસ્ત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તક્ક્કે વધીને આૈંસદીઠ 2882.16 ડૉલર સુધી પહોંચીને પાછાં ફર્યા હતા. જોકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને વિક્રમ સપાટીની નજીક આૈંસદીઠ 2868.94 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.2 ટકાના સાધારણ ઘટાડા સાથે 2887.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 32.25 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર હોવાથી નવી લેવાલીમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.
ટ્રેડ વૉરની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગનો ચમકારો થતાં તેજીનો લાભ ઉઠાવવા ઈચ્છુક રોકાણકારોની સતત નીકળી રહેલી લેવાલી તેજીને ટેકો આપી રહી હોવાનું એએનઝેડનાં સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલની તેજીને જોતા ભાવ ટૂંક સમયમાં આૈંસદીઠ 3000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, વેપાર યુદ્ધનો તણાવ હળવો થાય તો કોન્સોલિડેશનનો તબક્કો જોવા મળી શકે છે.
આ પણ વાંચો : ટ્રેડ વોરની ભીતિને લઈ વૈશ્વિક સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા
નોંધનીય બાબત એ છે કે ચીને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી 10 ટકા ટેરિફ અને ઓછી કિંમતના પેકેજિસ પરની જકાત મૂક્તિ નાબૂદ કરવાનો નિર્ણય સંરક્ષાત્મક અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોની વિરુદ્ધ હોવાની સંગઠનમાં ફરિયાદ કરી છે. જોકે, અમેરિકાના આ નિર્ણય સામે ચીને પણ અમેરિકાથી થતી આયાત સામે 10થી 15 ટકા ટેરિફ લાદી છે.
હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના બેરોજગારીના સાપ્તાહિક ડેટા પર સ્થિર થઈ છે. વધુમાં ટેરિફની અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકી ફેડરલ રિઝર્વ માટે ભવિષ્યની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાતનો નિર્ણય પડકારજનક રહેશે, એવું ફેડરલના અધિકારીઓએ જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને