અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
સાન માટેઓની કેનેરી આયલૅન્ડની ખાસિયત ગણાતી માર્કેટ અને નાનકડા ગામમાં જલસા કર્યા પછી અમે વધુ એક નાનકડા ગામ તરફ નીકળી પડ્યાં. રસ્તામાં બધે ક્રિસમસ ડેકોરેશન્સ દિવસમાં તડકા અને ગરમીમાં પણ સ્નો અને સેન્ટાની તસવીરો નજર સામે આવતાં હતાં. જોકે અમે ત્યાં ક્રિસમસ માટે નહીં, કેનેરી ટાપુની ખાસિયતો માટે પહોંચેલાં. ત્યાં ક્યાંય દરિયો તો નજીકમાં ન હતો, પણ ટાપુ કેટલો ઉબડખાબડ હતો તે દરેક રસ્તા પર અનુભવી શકાતું હતું. ઓલમોસ્ટ દરેક વિસ્તાર જાણે ખડકોને જોડીને, તેની સપાટીને ક્યાંક સમતળ તો ક્યારેક લેયર પર પગથિયાંની જેમ બનાવેલા વિસ્તારો પર ઘરો બાંધવામાં આવેલાં. ઢાળથી તો હવે નવાઈ લાગવાની પણ બંધ થઈ ગઈ હતી અને નવા નાનકડા ગામે પહોંચ્યા પછી ખબર પડી કે અહીં સમતળ ધરતી શા માટે નથી.
ફિરગાસ કદાચ ગ્રાન કેનેરિયાનું સૌથી લોકપ્રિય ઇન-લૅન્ડ ગામ છે. સાતેય ટાપુઓમાં ખ્યાતનામ બીચ અને તેને સંબંધિત ઘણાં સ્થળો છે. વોલ્કેનિક લૅન્ડસ્કેપ અને લાઇટહાઉસ અને ફેરી પૂલ્સ જેવું ઘણું બધું છે, પણ કલ્ચર માટે જાણીતાં સ્થળોની કોઈ વાત નથી કરતું. એવામાં ફિરગાસ પહોંચ્યાં અને જાણવા મળ્યું કે આ ગામ ખાસ ત્યાંની ટાઇલ્સના ઇન્સ્ટોલેશન માટે જાણીતું છે. ત્યાં નાની ઢાળવાળી ગલીઓમાંથી ગામને મધ્યે પાર્કિંગ મળ્યું તે પણ ઢાળ પર જ એક સર્કલની સાઇડમાં. ત્યાં કાયદેસર પાર્કિંગ હતું કે નહીં તે સમજાયું નહીં, પણ બાકીની કાર વચ્ચે જગ્યા મળી ત્યાં ગાડી ગોઠવીને અમે સેરામિક ટાઇલ્સના ઇન્સ્ટોલેશન તરફ નીકળી પડ્યાં. સૌરાષ્ટ્રની જેમ સ્પેનને પણ બપોરે ઊંઘી જવાની આદત છે. લોકો રેસ્ટોરાં, બેકરી, કરિયાણાની દુકાનો, સ્ટેશનરી સ્ટોર બધું બપોરે ત્રણ વાગ્યે બંધ રાખીને બેઠાં હતાં. અમને ફાયદો એ હતો કે તેના કારણે રસ્તામાં ટ્રાફિક સાવ નહિવત્ હતો.
ફિરગાસમાં પાર્કિંગ કરીને સાવ સાંકડી સાઇડવોક પર થઈને અમે ગામની મધ્યે પહોંચ્યાં. 1488માં સ્થાપના થયા પછી આ ગામ જાણે એ જ સમયમાં રોકાઈ ગયું હોય તેવું લાગતું હતું. અહીંની દરેક ઇમારત જાણે છેલ્લાં હજાર વર્ષમાં કોઈ પણ સમયગાળાની હોઈ શકે તેવું લાગતું હતું. જોકે ફિરગાસમાં સમયને રેકોર્ડ કરવાનો પણ અનોખો રસ્તો છે. અહીં અત્યંત ઉપરથી ગામની ચારેય તરફથી એટલાન્ટિકનો વ્યુ તો દેખાતો જ હતો, એટલે જ ફિરગાસને બાલ્કની ઑફ એટલાન્ટિક પણ કહે છે. જોકે માઇલો સુધી દરિયા પર પહોંચવાનું તો શક્ય નથી.
ગામનું મુખ્ય ચર્ચ સાન રૉક એકદમ મોકાની જગ્યાએ છે. ત્યાં પહોંચવાનો રસ્તો તો ટાપુનો સૌથી સુંદર રસ્તો કહેવામાં પણ અતિશયોક્તિ નથી. આખું ગામ ભલે ખાલી હોય, તેના સાન રૉક જતા રસ્તા પર સૌથી વધુ ભીડ હતી. અહીં ઢાળને પગથિયાંમાં ફેરવીને ત્યાંથી કેનાલનું પાણી એક વોટરફોલની જેમ નીચે તરફ સરકી રહૃુાં હતું અને પગથિયાંની બંને તરફ સેરામિક ટાઇલ્સની બેન્ચ લગાવવામાં આવી છે. દરેક પગથિયે એક બેન્ચ છે અને દરેક બેન્ચ પર અને તેની આસપાસની ટાઇલ્સ પર કેનેરી આયલૅન્ડ્સની દંતકથાઓ અને કુદરતનાં દૃશ્યો, લેન્ડમાર્ક્સનાં ચિત્રો બનાવેલાં હતાં. અમે પહેલાં તો એ ચર્ચાએ ચડ્યાં કે આ ટાઇલ્સને પહેલેથી જ પેઇન્ટ કરીને લગાવવામાં આવી હશે કે સાદી ટાઇલ્સ લગાવીને તેના પર પેઇન્ટ કરવામાં આવ્યું હશે. ચાર જણામાં અમે એ નક્કી કરી શક્યાં નહીં. મારું એવું માનવું છે કે ટાઇલ્સ પહેલેથી જ ચિત્રોવાળી હતી, કુમાર એમ માને છે કે પાછળથી પેઇન્ટ થયું છે. ઇન્ટરનેટ પર તો અમને તે જવાબ મળ્યો નહીં. જે પણ રીતે પેઇન્ટિંગ થયાં હોય, એક વાત નક્કી હતી, આ ટાઇલ્સ પરનાં ચિત્રો શહેરને અલગ જ કેરેક્ટર આપતાં હતાં.
આન્દાલુસિયન ટાઇલ્સ તરીકે ઓળખાતી આ બેન્ચીઝ હવે તો એક પ્રકાર જ બની ગઈ છે. ઘણા શોખીનો પોતાનાં પ્રાઇવેટ ગાર્ડન્સમાં પણ આવી સેરામિક બેન્ચિઝ બનાવે છે. અમે તો માત્ર એ ડિઝાઇનનાં મેગ્નેટથી જ કામ ચલાવી લીધું. જોકે તે બધાં કરતાં અમને સૌથી વધુ રસ તો સાતેય કેનેરી ટાપુના મિનિએચર સિરામિક વર્ઝનમાં પડ્યો. દરેક સ્ટેપ પર એક ટાપુનું નાનું મોડેલ અને ભવ્ય નકશો પેઇન્ટ કરવામાં આવેલો. સાથે તે ટાપુ વિષે બેઝિક માહિતી પણ હતી. ત્યાં આખો ગ્રાન કનેરિયા જોઈને લાગ્યું કે જાણે કોઈ ડબલ ટિયર કેકમાં વચ્ચે વચ્ચેથી કોઈએ ટુકડા કાપી લીધા હોય તેવું લૅન્ડસ્કેપ હતું. તે પછી તો વધુ નવાઈ લાગતી હતી કે આવી ઉબડખાબડ, ટેકરીઓ અને પહાડોથી લદાયેલી જમીન પર આટલું ચકાચક ઇન્ફ્રાસ્ટ્રચર કઈ રીતે બન્યું હશે. સાથે ટેનેરિફે, ફુઅર્ટેવેન્ટુરા, લાન્ઝારોટે સહિત સાતેય ટાપુના મિનિએચર પછી પગથિયાં પૂરાં થયાં ત્યાં બાજુમાં એક શાકની દુકાન ખુલ્લી હતી. સાન રૉક ચર્ચમાં એક કોયરનું કોરસ ચાલી રહૃુાં હતું.
બહાર થોડાં મેટલ સ્ટેચ્યુ, ક્રિસમસ ડેકોરેશન્સ વચ્ચે અમને ઘણા લોકલ પરિવારો અને વૃદ્ધો પણ દેખાયા. જાણે ફિરગાસ અમને કેનેરી ટાપુની સ્થાનિક લાઇફમાં ડોકિયું કરવાનો મોકો આપી રહૃુાં હોય તેવું લાગતું હતું. બાકી બીચ રિસોર્ટ આસપાસ તો જ્યાં પણ જાઓ ત્યાં ટૂરિસ્ટી ફીલિંગ જ હતી. એવામાં અમે તે ગામને ભરપેટ માણ્યું. પેલી શાકની દુકાનના રંગો પણ ગામના માહોલ સાથે મેળ ખાતા હતા. ત્યાં અંદર આંટો માર્યો તો જુનવાણી ભારતીય કરિયાણા સ્ટોરની યાદ આવી ગઈ. અહીં ગ્રોસરી અને સ્થાનિક ડ્રિંક્સ પણ એકદમ રસ્ટિક રીતે પડેલાં હતાં. ભારતમાં સુપર માર્કેટ્સ આવી તે પહેલાંનો સમય યાદ આવ્યો. જોકે અહીં પણ કેલોગ્સ અને કોકાકોલા જોઈને લાગ્યું કે અહીં પણ બહારની દુનિયા તો આવી જ ગઈ છે. હવે દુનિયાના આવા ખૂણામાં પણ કશું જ સાવ સ્થાનિક તો નથી જ રહૃુાં. જોકે કમસે કમ આ ગામમાં બર્ગર અને પિત્ઝાની ચેઈન તો નથી. ફિરગાસમાં એ માનવું મુશ્કેલ હતું કે 21મી સદીને પણ પચીસ વર્ષ થઈ ગયાં છે. સમય અહીં જરૂર પોઝ થઈ ગયો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને