![Bangladesh Radicals rampage Writer Taslima Nasreen publication stall attacked](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/writer-taslima.webp)
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની દેશની વચગાળાની સરકાર ખુલ્લેઆમ કટ્ટરપંથીઓને ટેકો આપી રહી હોવાનો આક્ષેપ પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીને કર્યો છે. તસ્લીમાનું આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે અમર એકુશે પુસ્તક મેળામાં તેમના પુસ્તક સ્ટોલ પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
સ્ટોલ પર તોડફોડ કરી અને પુસ્તકો ફેંકી દીધા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સોમવારે અમર એકુશે પુસ્તક મેળામાં સબ્યસાચી પબ્લિકેશન્સના સ્ટોલ પર હુમલો કરવામાં આવ્યો હતો.જ્યાં તસ્લીમા નસરીનના પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલો અનુસાર, હુમલાખોરોએ સ્ટોલ પર તોડફોડ કરી અને પુસ્તકો ફેંકી દીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને તસ્લીમાએ પોતે X પર શેર કર્યો હતો. તેમણે કહ્યું, કટ્ટરપંથીઓએ મારા પુસ્તકના પ્રકાશનને કારણે સ્ટોલ પર હુમલો કર્યો.
યુનુસ સરકાર પર કટ્ટરપંથીઓને ટેકો આપવાનો આરોપ
તસ્લીમા નસરીને મોહમ્મદ યુનુસની સરકાર પર કટ્ટરપંથીઓને ટેકો આપવા અને જેહાદી પ્રવૃત્તિઓને દેશભરમાં ફેલાવવા દેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મેળાના અધિકારીઓ અને પોલીસે પહેલાથી જ તેમના પુસ્તકો દૂર કરવાનો આદેશ આપી દીધો હતો. તેમ છતાં કટ્ટરપંથીઓએ હુમલો કર્યો.
આ પણ વાંચો : ભારતે યુનુસ સરકારને આપ્યો રોકડો જવાબ: બાંગ્લાદેશનું વાતાવરણ બગાડશો નહીં…
પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી
આ હુમલા અંગે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કૌમી મદરેસાના વિદ્યાર્થીઓનું એક જૂથ સ્ટોલ પર આવ્યું અને તસ્લીમા નસરીનના પુસ્તકો ત્યાં કેમ રાખવામાં આવ્યા છે તેનો વિરોધ કર્યો. આ પછી તેઓએ સ્ટોલ પર હુમલો કર્યો અને પુસ્તકો ફેંકી દીધા. પોલીસ અધિકારી મસૂદ આલમે જણાવ્યું હતું કે ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. હાલ બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને