નવી દિલ્હીઃ મહાકુંભ, દિલ્હી વિધાનસભાની ચૂંટણી અને અમેરિકાથી પરત ફરનારા ભારતીયોનો મુદ્દો આજે બજેટ સત્રના પાંચમા દિવસમાં જોરદાર ગાજ્યો હતો. બજેટ સત્રમાં મહાકુંભમાં થયેલી નાસભાગ મુદ્દે બજેટ સત્રની શરુઆતથી વિપક્ષે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારને સાણસામાં લીધી હતી, તેમાંય વળી આજે તો સંસદના બંને ગૃહની કાર્યવાહી વિપક્ષે ખોરવી નાખી હતી. રાજ્યસભામાં એક કરતા અનેક બાબતો મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યાં હતા.
સબકા સાથ, સબકા વિકાસ એ બધાની જવાબદારી
પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપતા પાર્ટીના સૂત્ર સબકા સાથ સબકા વિકાસનો સંદર્ભ લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આમાં શું મુશ્કેલી છે. સબકા સાથ, સબકા વિકાસ એ આપણા બધાની જવાબદારી છે અને એટલા માટે આપણને બધાને અહીં બેસવાની લોકોએ તક આપી છે.
એટલે અમને જનતાએ ત્રીજી વખત તક આપી
જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે મને લાગે છે કે કોંગ્રેસ પાસેથી સબકા સાથ, સબકા વિકાસની અપેક્ષા રાખવી એ એક મોટી ભૂલ હશે. આ બાબત તેમની વિચારધારા અને સમજ બહારની છે. વાસ્તવમાં આટલો મોટો પક્ષ પરિવારવાદને સમર્પિત છે. કોંગ્રેસના રાજમાં એક એવું મોડલ તૈયાર થયું હતું, જેમાં સૌથી આગળ ફેમિલી ફર્સ્ટ છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દેશની જનતાએ અમારા વિકાસ મોડલને પારખ્યું છે, સમજી છે અને અમારા વિકાસનું મોડલ સૌથી પહેલું રાષ્ટ્ર છે. કોંગ્રેસ પાસે અપેક્ષા રાખવી નકામી છે. કોંગ્રેસના રાજમાં દરેક બાબતમા તુષ્ટિકરણ થતું હતું. અમારું મોડલ તુષ્ટિકરણનું નથી સંતુષ્ટિકરણનું છે. જનતાએ અમારા વિકાસ મોડલને સ્વીકાયું છે અને એટલે જ અમને જનતા ત્રીજી વખત તક આપી છે.
ઇમરજન્સીને લઈને કરી મોટી વાત
સંસદના બજેટ સત્રના પાંચમા દિવસે રાજ્યસભાને સંબોધતા પીએમ મોદીએ ઈમર્જન્સીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. નહેરુના કાર્યકાળથી લઈને ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સીમાં થયેલા અત્યાચારોનો ઉલ્લેખ કરીને અનેક પ્રહારો કર્યા હતા. બોલીવુડના કલાકારોમાં મજરુહ સુલતાનપુરી, બલરાજ સહાની, દેવાનંદ, કિશોર કુમારની વાત કરીને ઈમરજન્સીને વખોડી હતી. ઈમરજન્સી દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિત દેશના અનેક મહાનુભવોને જેલમાં નાખવામાં આવ્યા હતા. શાહી પરિવારના અહંકાર માટે આ દેશને જેલખાનું બનાવી દેવાનો પણ પીએમ મોદીએ દાવો કર્યો હતો.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર
કોંગ્રેસ પાર્ટીએ જ બાબાસાહેબના વિચારોને ફગાવ્યા હતા
રાજયસભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બાબાસાહેબે દલિત આદિવાસીઓની સાથે અન્યાયનો ઉપાય જણાવ્યો હતો. બાબાસાહેબ આંબેડકરે દેશમાં ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાની માગણી કરી હતી અને ખેતીવાડી દેશમાં એસસી-એસટી માટે આજીવિકાનું સાધન બની શકી નથી, તેથી તેઓ ઔદ્યોગિકરણના વિકાસને સૌથી મોટું હથિયાર માનતા હતા. જોકે, બાબાસાહેબના વિચારોને કોંગ્રેસે સંપૂર્ણ રીતે ફગાવી દીધા હતા. બાબાસાહેબ એસસી-એસટીની પ્રગતિ ઈચ્છતા હતા પણ કોંગ્રેસે મોટા સંકટમાં નાખ્યા હતા, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે સંસદના બંને સદનમાં બજેટ સત્રના પાંચમા દિવસ દરમિયાન વિપક્ષે સદનમાં ધમાલ કરી હતી. વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચર્ચા કરવાની પણ માગ કરી હતી. બપોરના બાર વાગ્યા સુધી એના પછી બે વાગ્યા સુધી પછી 3.30 વાગ્યા સુધી એક દિવસ માટે કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાની પણ બે વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને