અમદાવાદઃ ભારતે આજે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં બૅટિંગ મળ્યા પછી ખરાબ આરંભ બાદ સ્કોર પહેલી 30 ઓવરમાં બે વિકેટના ભોગે 200 રનને પાર પહોંચાડી દીધો એમાં સૌથી મોટું આકર્ષણ હતું વાઇસ-કૅપ્ટન શુભમન ગિલની સેન્ચુરી. તેણે 51 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને પછી 95 બૉલમાં 100 રન પૂરા કરીને વન-ડેની સાતમી સદી નોંધાવી હતી. આ 100 રનમાં તેની બે સિક્સર અને 14 ફોર સામેલ હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારતનો સ્કોર 33.3 ઓવરમાં બે વિકેટે 223 રન હતો. ગિલ 111 રને અને તેની સાથે શ્રેયસ ઐયર બાવન રને રમી રહ્યો હતો. શ્રેયસની આ 20મી હાફ સેન્ચુરી છે.
ગિલે છેલ્લે 2023ની 24મી સપ્ટેમ્બરે ઇન્દોરમાં ઑસ્ટ્રેલિયા સામે કરીઅરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી ત્યાર બાદ હવે છેક 16 મહિના બાદ સાતમી સદી નોંધાવી છે.
રવિવારે શ્રેણીની બીજી વન-ડેમાં રોહિત શર્મા (119 રન) ફૉર્મમાં આવ્યો હતો અને આજે વિરાટ કોહલી (બાવન રન, પંચાવન બૉલ, એક સિક્સર, સાત ફોર) માંડ થોડો ફૉર્મમાં આવ્યો ત્યાં તે સતત બીજી મૅચમાં સ્પિનર આદિલ રાશિદનો શિકાર થઈ ગયો હતો. ગિલ-વિરાટ વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી.
19મી ફેબ્રુઆરીએ શરૂ થતી ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતનો એક પછી એક બૅટર ફૉર્મમાં આવી રહ્યો છે. ખાસ કરીને 23મી ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે રમાનારી વન-ડે પહેલાં ભારતના ખેલાડીઓ ફરી ફૉર્મમાં આવવા લાગ્યા છે એનાથી પાકિસ્તાની ખેલાડીઓ જરૂર સાવચેત થઈ ગયા હશે.
આ પણ વાંચો : શુભમન ગિલનો બૅટિંગ ઍવરેજમાં વર્લ્ડ રેકોર્ડ: વિરાટ, બેવન, ડિવિલિયર્સને પણ ઝાંખા પાડી દીધા
જોકે રોહિત શર્મા ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો.
ભારતે આજે પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફાર કર્યા હતા. રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે વરુણ ચક્રવર્તી પગની ઈજાને કારણે નહોતો રમી શક્યો. પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહને સમાવવામાં આવ્યા હતા. અર્શદીપ ઑગસ્ટ, 2024 પછી પહેલી વાર વન-ડે રમી રહ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને