અમદાવાદઃ ગઈકાલે નાણા પ્રધાને બજેટ રજૂ કર્યું તેને મોદી સરકારનું શ્રેષ્ઠ બજેટ માનવામાં આવે છે કારણ કે આ બજેટમાં મધ્યમ અને નાના વર્ગને રાહત આપતી જાહેરાતો કરવામા આવી છે, પરંતુ એક બહુ મોટો વર્ગ આ બજેટથી અંસતુષ્ટ પણ છે અને તેમના મતે આ ચૂંટણીલક્ષી જાહેરાતો છે અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મધ્યમવર્ગે ફટકો આપી ઓછી બેઠકો આપી હોવાથી મધ્યમવર્ગને સાચવી રાખવા નાણા પ્રધાને આવી જાહેરાતો કરી હોવાના આક્ષેપો પણ થાય છે. જોકે મધ્યમવર્ગ તેમની જાહેરાતોથી ઘણી રાહત અનુભવશે તે વાત નક્કી છે.
નિરાશામાં સપડાયેલો હીરા ઉદ્યોગ વધુ નિરાશ
વિશ્વમાં ખ્યાતિ પામેલો અને હજારો રોજગારી ઊભી કરતો સુરતનો હીરા ઉદ્યોગ ભીંસમાં હોવાના અહેવાલો ઘમા સમયથી આવી રહ્યા છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા એકમો એક પછી એક બંધ થતાં સુરતમાંથી સૌરાષ્ટ્રના રત્નકલાકારો હીજરત કરી રહ્યા હોવાના પણ અહેવાલો છે. સુરત ડાયમન્ડ઼ સિટિ તરીકે જાણીતું હોવાથી અને એશિયાનું મહત્વનું હબ માનવામાં આવતું હોવાથી હીરા ઉદ્યોગના ઝાંખા પડી રહેલા ચળકાટને ધ્યાનમાં રાખી સરકાર કોઈક દિલાસો આપશે તેવી આશા હીરા ઉદ્યોગના વેપારીઓ સેવી રહ્યા હતા, પરંતુ ગઈકાલે તેમને નિરાશા સાંપડી છે.
બજેટ બાદ ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે બજેટમાં ડાયમંડ અને ગોલ્ડ માટે કોઈ છૂટછાટ જાહેર કરવામાં આવી નથી. ગોલ્ડ માટે કસ્ટમ ડ્યુટી 6 ટકા કરવા રજૂઆત કરી હતી, પણ આ માગણી સ્વીકારવામાં આવી નથી. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માર ઝીલી રહયો છે, પણ બજેટમાં કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી. હીરા ઉદ્યોગ માટે પેકેજ રજૂ કરવામાં આવે તે માટે અમે ફરી રજૂઆત કરીશું. ગોલ્ડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટી ઓછી થાય તો ઘણો ફાયદો થાય તેમ છે. કેપિટલ ગેઈન ટેક્સ દૂર કરાયો હોત તો સામાન્ય વર્ગને વધુ ફાયદો થયો હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Budget 2025: પ્રથમ વખત 50 લાખ કરોડથી વધુનું બજેટ; જાણો કયા મંત્રાલયને મળ્યું કેટલું બજેટ?
કેન્દ્રીય બજેટ 2025-26 મધ્યમ વર્ગીય પરિવારો માટે બચતની આશા જાગી છે. હવે રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ કર નહીં લાગે. પગારદાર લોકો માટે રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ રૂ. 12.75 લાખ થઈ જશે, પરંતુ આવક વધારવાના રોજગાર વધારવાના પ્રયાસોના ભાગરૂપે ઉદ્યોગોને વેગ આપવાના અને નવા રોજગાર ઊભા કરવાની કોશિશોનો અભાવ હોવાનું ઘણા નિષ્ણાતો પણ કહી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને