અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી જ તમામ કામગીરી થતી હતી. આરોપીના વકીલ અંકિત શાહે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રિમાન્ડ આપવા કે નહીં તે કેસની હકીકત અને પુરાવા પર આધારિત હોય છે.
આ પણ વાંચો : Gujarat યુનિવર્સિટીના પ્રોફેસરની 4.09 કરોડની ઉચાપત મુદ્દે ધરપકડ…
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. જેઓ હાલ રિમાન્ડ પર છે અને આ ત્રિપુટીએ કેટલા લોકોને કેટલાનો ચૂનો લગાવ્યો એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે ખ્યાતિ કાંડનાં ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર થતા હવે અનેક ખુલાસાઓ થઈ શકે છે.
આ પણ વાંચો : ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો…
તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે કર્યા હતા મોટા ખુલાસા
થોડા દિવસો પહેલા ખ્યાતિ હૉસ્પિટલ કાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યાની માહિતી અપાઈ હતી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો દાવો કરાયો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને