maa reva palace connected  narmada jayanti
  • કૌશિક ઘેલાણી

રેવાના તીરે કોઈ પણ સમયે કોઈ પણ જીવ જીવનનો જરાક પણ સમય વિતાવે તો એ પરમ સુખને પામે છે. અપાર કુદરતી સૌંદર્ય, નર્મદાના વહેણનું કુદરતી સંગીતમય વાતાવરણ, પંખીઓનો કલરવ, સ્વચ્છ આકાશમાં ચમકતા સિતારાઓ, નક્ષત્રો અને ક્યાંક નજરે પડતી ઉલ્કાઓ અને પોતાની જાત સાથે સંવાદ કરવાનો મોકો એટલે મધ્યપ્રદેશના વિંધ્યાચળમાં આવેલા નર્મદાઘાટની દિવ્ય સફર. દર વર્ષે માહ માસના શુક્લ પક્ષની સાતમના દિવસને નર્મદા જયંતી તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે 31મી જાન્યુઆરીએ નર્મદા જયંતીની ઉજવણી રંગેચંગે થઈ છે.

Also work : બજેટ-2025-26 મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને કેવા સુધારા ને રાહત જોઈએ છે?

આપણે ઘણું બધું એકસાથે અને લક્ઝુરિયસ મેળવી લેવાની મહેચ્છામાં સામાન્ય વૈભવ તરફ ખાસ ધ્યાન આપતા નથી હોતા અને ઘણું ખરું ગુમાવી બેસીએ છીએ એનો અંદાજ ત્યારે જ આવે જ્યારે નિર્જન સ્થળ પર આવેલી કુદરતી જગ્યાને જોઈએ, જાણીએ અને માણીએ. આવાં સ્થળોનો પરિચય કોઈ પ્લાન વિના અચાનક જ થઈ જતો હોય છે અને જ્યારે તે થાય ત્યારે આપણે સ્થળથી અભિભૂત થઈ જઈએ છીએ.

અરણ્ય એ જ ભારતની મૂળ સંસ્કૃતિ છે અને આપણે સહુ અરણ્યમાંથી જ આવ્યા છીએ એટલે કે પ્રકૃતિ સાથે આપણો નાતો ખૂબ જ સરળતાથી જોડાઈ જાય છે. નદીઓ, પહાડો, જંગલો, ઘાસનાં વિશાળ મેદાનો, રણપ્રદેશો અને પહાડો દરેકે દરેક જીવને આકર્ષે છે અને એ આકર્ષણ સહજ હોય છે. વર્ષભરની બધી જ મોસમના મિજાજને માણવાની એક પણ તક હું જતી ન કં એમાંય ઉનાળાની શરૂઆતની કુમળી સવાર અને સાંજ જો પ્રકૃતિના ખોળે વીતે તો એના રંગોમાં હું સંપૂર્ણપણે ઘોળાઈ જાઉં.

વસંત ઋતુમાં કુદરતના સંપૂર્ણપણે ખીલેલા રંગો, પંખીઓનું મધુર સંગીત અને સમીરનાં સ્પર્શની શીતળતાનો અનુભવ શબ્દોમાં વર્ણવીને કોઈ સાથે શેર કરવા કરતાં વગડાની વાટે જ નીસરી જવું પડે. કુદરતનો ઉનાળુ મિજાજ એટલે કર્ણપ્રિય અને રંગબેરંગી.

મધ્યપ્રદેશમાં જબલપુર નજીક આવેલ ભેડાઘાટ એક અદ્ભુત સ્થળ છે જેને આપણે કુદરતની જીવતી જાગતી કવિતા કહી શકીએ. વહેલી સવારે ઘાટ પર જઈને સૂરજની આછેરી લાલાશ સાથે પાણીમાંથી બહાર નીકળતો જોઈને સૃષ્ટિમાં જાણે એક નવો સંચાર થતો અનુભવી શકો તો નવાઈ નહિ.

ગમે તેટલી ગરમી હોય અહીં કલાકોના કલાકો સુધી નર્મદાનાં શીતળ નીરમાં નહાવાનો અનુભવ આહ્લાદક હોય છે. ભેડાઘાટમાં આવેલ ધુંઆધાર ઉપરના વિસ્તારમાં વિશાળ પટમાં સરળતાથી કોઈ પથ્થરને અઢેલીને અર્ધું શરીર વહેતા પ્રવાહમાં રહે એ રીતે બેસી જાઓ તો સદેહે સ્વર્ગનો અનુભવ આ ધરણી પર જ મેળવી લેશો. વહેલી સવારના સમયે અહીં વિશાળ માર્બલ પહાડીઓ વચ્ચેથી લોકલ વ્યક્તિ સાથે બોટની સફર માણતાં માણતાં હાથ નર્મદાના પ્રવાહમાં પસવારો કે નર્મદા તમારી સાથે વાત કરતી હોય એવો અનુભવ થશે ને થશે જ. બંદરકૂદ શિલા વચ્ચેથી પસાર થતાં થતાં કુદરતને એના આર્ટિસ્ટિક મૂડ માટે સરાહના કર્યા વિના તો રહી જ ન શકો તો વળી ઊંચી માર્બલ શિલા પર ટેસડાથી બેઠેલા શિંગવાળા વિશાળ ઘુવડને જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાઓ તો નવાઈ નહિ.

Also work : જીવનમાં જો પ્રેમ જોઇએ છે તો ડિજિટલ જ્ઞાનના ભરોસે ના રહો

કુદરત પોતાનો પરિચય અલગ અલગ રૂપમાં અલગ અલગ સ્થળે કરાવતી જ હોય છે. અહીં કુદરત દરેકે દરેક તત્ત્વમાં વસે છે. નર્મદાના કિનારા વિસ્તારને ખંખોળતાં ખંખોળતાં મેં અહીંનું જનજીવન જોયું અને જોયું જ નહીં પણ માણ્યું. અહીંના લોકો નર્મદામય છે એવું સાંભળ્યું હતું, પણ સાક્ષાત્કાર થયો. ખરેખર અહીંયાનાં બાળકોના સાહસિક કૌશલ્યને જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે બાળકોના જીવન ઘડતરમાં આ સાક્ષાત વહેતી નર્મદાની શીતળતાનો ખૂબ જ મોટો ફાળો છે. ભેડાઘાટનાં પગથિયાં ઊતરો કે ગરમીમાં રાહત આપતાં વિવિધ લીંબુ શરબત, કાચી કેરી અને કેટલાંક લોકલ ફળોની લિજ્જત ગ્રીષ્મની મોજનો ખરો અનુભવ કરાવે. આહ કુદરત! વાહ કુદરત!

ઢળતી સાંજે પક્ષીઓએ કલરવ કરીને વાતાવરણ ગૂંજવી મૂક્યું, રેવાની વહેતી વમળોને સૂરજ જતાં જતાં સોનેરી ઓપ આપતો ગયો અને રેવા પણ એના મધુર રવથી મને સ્પર્શી ગઈ. વર્ષો જૂનાં વૃક્ષો જાણે ધ્યાનમગ્ન થઈને રેવાના આ રવને ધ્યાનસ્થ મુદ્રામાં માણી રહ્યાં હતાં, વાદળો ક્યાંક દૂર ધરતી પર વરસાદ વરસાવવા થનગની રહ્યાં હતાં અને હું ત્યાં જ સ્થિર થઈ ગયો. બધી જ વ્યથાઓને રેવા એના જળમાં વહાવીને લઈ ગઈ. રેવા જાણે કુદરતે ફુરસદમાં રચેલી ચિત્રકૃતિની જેમ નજર સમક્ષ તરવરીને હસતી-રમતી ક્નયાની માફક મોહિત કરી ગઈ.

સાંજ ઢળ્યા પછી સૂરજ આંખ સામેથી ઓઝલ થાય અને ક્ષિતિજ પર શુક્રનો ગ્રહ આંખ પટપટાવતો ચમકવા લાગે એટલે રેવાને શ્રવણ કરવાનો સમય થાય. ગાયતી રેવા રવ મધુરમ… હર હર ઓમ ઓમ હર હર ઓમ… સાયમ પ્રાંતહ, પ્રાંતહ સાયમ હર હર ઓમ ઓમ નર્મદા – અફાટ સૌંદર્યની દેવી અને સદાય આનંદ આપનારી. અહીં આવેલી વિશાળ માર્બલ શિલા પર બેસીને બસ એના રવને સાંભળ્યો કરો, કુદરતે જાણે કેટલાંય વાદ્યોની મહેફિલ સજાવી હોય એવું કંઈક સતત વીતતી દરેક પળે અનુભવી શકાય. શુક્લ પક્ષમાં ઢળતી સાંજે બોટ લઈને નર્મદા સફરે નીકળવાથી ચંદ્રની શીતળ ચાંદની અને આછેરી રોશનીનો પાલવ ચોતરફ ફેલાયેલ માર્બલ શિલાઓ પર એ રીતે છવાઈ જશે કે જાણે કુદરતે અવની પર વિશાળ પેઇન્ટિંગ કર્યું હોય.

અહીં લોકલ લોકો મક્કાઈના લોટની દાળબાટી પાનિયા નામની એક લિજ્જતદાર વાનગી બનાવે છે. કોઈ વૃક્ષનાં પાનમાં લપેટીને રાજસ્થાની દાળબાટી જેમ જ મક્કાઇ અને ઘઉંના જાડા લોટની બાટી ગાયના છાણામાં શેકીને દાળ, ભરપૂર ઘી, લસણ ફુદીનાની લસોટિયામાં લસોટેલી ચટણી અને દેશી વલોણાની છાશ સાથે આખું ભાણું પીરસે છે એની લિજ્જત માણવી જ રહી. જબલપુર શહેરથી માત્ર 26 કિમિના અંતરે આવેલ આ સ્થળે સરળતાથી કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન થકી પહોંચી શકાય છે.

મહેશ્વર નજીક આવેલ જલકોટી નામનું સ્થળ પણ ગ્રીષ્મ ઋતુમાં કોઈ પણને વશમાં કરી શકે એવું સામર્થ્ય ધરાવે છે. એકસાથે હજારો સ્વપ્નસુંદરીઓની જેમ રેવા અલગ અલગ ધારાઓમાં વહેંચાઈને કિલ્લોલ કરતી વિશાળ પથ્થર શિલાઓને ચીરતી મુક્તપણે વહી રહી છે અને એનો ઘૂઘવાટ કાનથી સીધો જ મનના પરદા સુધી પડઘાય છે. સવારે સૂરજ ઊગતાની સાથે વાદળો ભૂલકાઓની માફક દોટ લગાવીને વહેતી આ રેવાની ધારાઓને મળવા ચાલ્યા હોય એવું કંઈક દીસી રહ્યું હતું અને હું દિગ્મૂઢ થઈને આ દૃશ્ય જોઈ રહ્યો.

રેવાના આ રૂપને માનસપટ પર સાચવીને લાવ્યો છું, રેવાનાં નીરથી ભીંજાયેલા આત્માને શુદ્ધ કરી લાવ્યો છું. આપણી સંસ્કૃતિમાં નદીઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રેવાનાં નીરમાં ઘડીભર ગોઠણડૂબ બેસી રહીને એના ધ્વનિને માણવો જાણે એ પણ મને સ્પર્શીને કશુંક કહી રહી હોય. આપણે સહુએ સમયાંતરે નદીમાં કૂદીને નહાવું જોઈએ, આ રીતે નહાવું એ કંઈ ખાલી નહાવું નથી, પણ કુદરતના સંસર્ગમાં આવીને જાતને નિચોવવાની વાત છે.

Also work : બહોત હૈ મુશ્કિલ ગિર કે સંભલના…પણ માણસ નિશ્ચય કરે તો પડ્યા પછી ફરી ઊભા થઈ શકાય એનો પુરાવો છે એક પોલીસ અધિકારી નૌજિશા!

અહીંના સંધ્યા ટાણે આકાશમાં આછેરી રતાશ પડતી લાલિમા છવાઈ જાય, વાદળાઓમાં રંગોની રંગત જામે ત્યારથી મનમાં ખૂબસૂરત રાત્રિનાં સપનાઓ રંધાવા લાગે. ધીરે ધીરે ધરણી અંધકારની ચાદર ઓઢવા લાગે, પંખીઓ શાંત થતાં જણાય, તમરાઓ એમનું આગવું ગાન શરૂ કરે, ખોટો કલશોર બંધ થઈ જાય, આકાશ હજારો ચમકતાં રત્નોથી ભરાઈ જાય એટલે મારી નજર સીધી વૃશ્ચિકની પૂંછડી તરફ મંડાય. એકીટશે આકાશમાં મીટ માંડીને જોયા કરું કે તેજસ્વી ધનુ નજરે ચઢે સાથે સાથે શનિ અને ગુરુની ચમક આંખને આંજી દે. મનમાં આવતા વિચારોનું વમળ સ્પષ્ટ રીતે શાંત થતું અનુભવી શકાય. અહીં શબ્દો આપોઆપ પૂરા થઈ જાય છે, અભિભૂત કરવાનું કામ તો રેવા જ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને