અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયો હવે ઘરે પરત ફર્યા છે. અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલા ભારતીયોને મેક્સિકો અમેરિકાની સરહદ પર પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા, પરંતુ તેમણે ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. દેશનિકાલ કરાયેલા લોકોમાં હરિયાણાના 33, ગુજરાતના 33, પંજાબના 30 મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંડીગઢના બે લોકોનો સમાવેશ થાય છે. એવા સમયે એવો સવાલ થવો સ્વાભાવિક છે કે આ ડંકી રૂટ શું છે. તો આપણે આ વિશે જાણીએ.

આ ડંકી રુટ શું છે? ઃ-
દરેકના મનમાં એ સવાલ છે કે આ ડંકી રુટ શું છે. જો તમે શાહરુખ ખાનની ફિલ્મ ડંકી જોઈ હશે તો તમને થોડો ઘણો ખ્યાલ હશે કે આ ડંકી રૂટ શું છે અને આ માર્ગ દ્વારા બીજા દેશોમાં પહોંચતા લોકો કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. હકીકતમાં ડંકી રૂટ દ્વારા વિદેશ પ્રવાસ કરનારાઓએ માનવ તસ્કરોને મોટી રકમ ચૂકવવી પડે છે. આ માટે તેઓને પ્રતિ વ્યક્તિ દીઠ 35 થી 40 લાખ રૂપિયા કે વધુ રમક ચૂકવવી પડે છે. બે વર્ષ પહેલા જ્યારે ફ્રાન્સે માનવતસ્કરીની શંકાના આધારે આશરે ત્રણસો ભારતીય મુસાફરોને લઈ દુબઈથી નિકારાગુઆ જતી ચાટર્ડ ફ્લાઇટને અટકાવી ત્યારે ડંકી રુટ ચર્ચામાં આવ્યો હતો. તેમાંના મોટાભાગના લોકોને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

કોઈપણ ભોગે અમેરિકા જવા માંગતા લોકો મોટાભાગે આ 3 રૂટથી જતા હોય છેઃ-
તેઓ મેક્સિકો સરહદ પરથી અમેરિકામાં પ્રવેશે છે. ટ્રાવેલ એજન્ટો તેમને મેક્સિકન સરહદ પર લઈ જાય છે. ત્યાંથી અમેરિકન પોલીસ તેમને પકડીને ડિટેન્શન કેમ્પમાં લઈ જાય છે. પછી ચાર પાંચ દિવસ પછી કોઈ તેમને ઓળખતું હોય તો તેમને લેવા આવે છે. અને જો બધું બરાબર હોય તો તેમને છોડી દેવામાં આવે છે, પરંતુ અમેરિકન પોલીસ તેમના પર કડક નજર રાખે છે.
બીજો રસ્તો પનામાના જંગલોમાંથી પસાર થાય છે જે ખૂબ જ જોખમી છે અને ત્રીજો રસ્તો કેનેડા થઈને જાય છે. ટુરિસ્ટ વિઝાની વાત કરીએ તો કોઈ સિંગરની સાથે શોના બહાને પણ કેટલાક લોકો અમેરિકા પહોંચી જાય છે.

ગયા વર્ષે ડંકી રુટ દ્વારા અમેરિકા જતા લોકો અંગે એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં ડંકી રુટ દ્વારા અમેરિકા ગયેલા લોકોના પરિવારોએ જણાવ્યું હતું કે માનવ તસ્કરોએ તેમને દિલ્હી અને મુંબઈથી ટુરિસ્ટ વીઝા પર લઈ જાય છે. ત્યાંથી તેમને વેનેઝુએલા, નિકારાગુઆ અને ગ્વાટેમાલાના ટ્રાન્ઝિટ પોઇન્ટ દ્વારા યુએસ મેક્સિકોની સરહદ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં આ લોકોને તેમના હેન્ડલર દ્વારા એમ સમજાવવામાં આવે છે કે જો તેઓ સરહદ પાર કરતી વખતે પકડાય તો સતામણીનો ઉલ્લેખ કરીને આશ્રય મેળવી લેવો.

Also read: ડંકી ફ્લાઇટ કેસમાં મોટા ખુલાસા અમેરિકા જવા રૂ. 40 લાખની 1.25 કરોડમાં થઇ હતી ડીલ

જોકે, ડંકી રુટ ભારે જોખમી છે. તેમાં આટલા પૈસા આપવા છતાં પણ અમેરિકા પહોંચવાની કોઈ ગેરંટી નથી હોતી.આ માર્ગમાં દરેક પગલે જોખમ હોય છે અને ઘણા લોકો તેમાં મૃત્યુ પણ પામે છે કારણ કે તેમાં ઘણા દેશોની સરહદો પાર કરવાની હોય છે. ગેરકાયદે સરહદ પાર કરતી વખતે ઘણીવાર જે તે દેશના સૈનિકો ઘૂસણખોરી કરતા લોકોને ગોળી મારી દે છે તો ક્યારેક તીવ્ર ઠંડી અને ભૂખના કારણે પણ લોકો મૃત્યુ પામતા હોય છે. ઘણી ટ્રાવેલ એજન્સીઓ અને એજન્ટો આ કામમાં રોકાયેલા છે અને તેઓ લોકોને વિદેશ મોકલવા માટે લાખો રૂપિયા વસૂલ કરે છે.

જે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ડંકી રૂટથી અમેરિકા કે અન્ય કોઈ દેશમાં પ્રવેશ કરે છે તેઓ એવી જગ્યાએ રહે છે જ્યાં પોલીસની અવરજવર ઓછી હોય અને એવા કામ કરે છે જેમાં કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર ના પડે. આ લોકો એવી જગ્યાએ જવાનું પણ ટાળે છે કે જ્યાં પોલીસ અધિકારીઓ તેમના પકડી શકે. આવા લોકોને પકડવા માટે ઘણી વાર જે તે દેશની પોલીસ દરોડા પણ પાડતી હોય છે, જેમાં ઘણા લોકો પકડાઇ પણ જાય છે. પછી તમને ડિટેન્શન કેમ્પમાં મોકલવામાં આવે છે અને દેશનિકાલ કરવામાં આવે છે. અમેરિકામાં આવા લોકોની સંખ્યા એક કરોડથી વધારે હોવાનું કહેવાય છે. આપણા દેશમાંથી તો લોકો મોટે ભાગે સારી જીવનશૈલી, સારી કમાણીની આશાએ જ વિદેશ જતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને