(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની પાણીની વધતી માગણીને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરિયાના ખારા પાણીને મીઠા કરવા માટે મનોરી ગામમાં ૧૨ હેકટરના પ્લોટ પર ડિસેલિનેશન પ્લાન્ટ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવવાનો છે. પરંતુ આ પ્રોજેક્ટ માટે બહાર પાડવામાં આવતાં ટેન્ડરને મોળો પ્રતિસાદ મળતો હોવાને કારણે ટેન્ડર પ્રક્રિયા પાલિકાએ રદ કરી હતી. તેથી છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર પ્રક્રિયા બંધ હતી. જોકે ફરી એક વખત નવેસરથી ટેન્ડર કાઢવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. ફેબ્રુઆરીમાં ટેન્ડર બહાર કાઢવાની પાલિકાની યોજના હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈને દરરોજ ૩,૮૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો તાનસા, મોડક સાગર, મિડલ વૈતરણા, અપર વૈતરણા અને ભાતસા, વિહાર તથા તુલસી તળાવમાંથી કરવામાં આવે છે. મુંબઈ મહાનગરપાલિકાએ કરેલા એક અભ્યાસ મુજબ મુંબઈમાં ૨૦૪૧ સુધીમાં લોકસંખ્યા પોણા બે કરોડ સુધી પહોંચી જશે અને તે સમયે પ્રતિદિન પાણીની જરૂરિયાત પણ ૬,૪૨૬ મિલ્યન લિટર પર પહોંચી જશે. આ ડિમાન્ડને પહોંચી વળવા માટે દરિયાના ખારા પાણીને મીઠુું કરવા માટે ડિસેલિનેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો પાલિકા નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટના માધ્યમથી દરિયાનાં પાણી પર પ્રક્રિયા કરીને પહેલા તબક્કામાં દરરોજ ૨૦૦ મિલ્યન લિટર પાણી વાપરવા યોગ્ય મળવાનું છે. બીજા તબક્કામાં આ ક્ષમતા વધારીને ૨૦૦ મિલ્યન લિટર જેટલી કરવામાં આવવાની છે.
ડિસેમ્બર ૨૦૨૩થી આ પ્રોજેક્ટ માટે બિડિંગની સમયમર્યાદામાં અનેક વખત વધારો કરવામાં આવ્યો હોવા છતાં પ્રોજેક્ટમાં બોલી લાવનારાઓેને આકર્ષવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે. અગાઉ મુદત વધારી આપી હતી, તે પણ ૨૯ ઑગસ્ટ, ૨૦૨૪ના રોજ પૂરી થઈ હતી, જેમાં ફક્ત એક જ બોલી મળી હતી. તેથી પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા રદ કરીને ગાર્ગઈ ડેમ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો. ૨૦૧૨માં મિડલ વૈતરણા ડેમના નિર્માણ પછી પાલિકાએ એક દાયકાથી વધુ સમયથી કોઈ નવો ડેમ બનાવ્યો નથી.
આ પણ વાંચો : આવતા અઠવાડિયે મુંબઈના અનેક વિસ્તારોમાં ૩૦ કલાક પાણીકાપ
મુંબઈથી ૧૧૦ કિલોમીટર દૂર પાલઘર જિલ્લામાં આવેલા ગાર્ગઈ ડેમ શહેરને દરરોજ ૪૭૦ મિલ્યન લિટર જેટલું પાણી પૂરું પાડી શકે છે. ૬૫૯ હેકટર ફોરેટ ડિપાર્ટમેન્ટની જમીનનું સંપાદન કરવા માટે પાલિકાએ ચંદ્રપુરમાં ૪૮૮ હેકટર જમીન અને મહારાષ્ટ્ર વન વિકાસ નિગમ પાસેથી પાલઘરમાં વાડા નજીક ૪૦૦ હેકટર જમીન મેળવી છે. ૫,૦૦૦ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ પર્યાવરણીય મંજૂરીઓની રાહ જોઈ રહ્યો છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ડિસેલિનેશન પ્રોજેક્ટ માટે વધુ લોકો આગળ આવે અને બોલી લગાવે તે માટે અમે નિયમ અને શરતમાં સુધારો કરવાના છીએ. ત્યારબાદ નવેસરથી બોલી મંગાવીશું. આ પ્લાન્ટ ચાર વર્ષમાં કાર્યરત થવાની અપેક્ષા છે, જેનો અંદાજિત ખચર્ર્ ૩,૫૨૦ કરોડ રૂપિયા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને