સંજય છેલ
22 વરસની સ્ત્રી એકલી બિસ્તરમાં પડી છે. 25 વરસનો પતિ પહાડ તરફ, કાલે જ મૃત જન્મેલ બાળકને દફનાવવા ગયો છે. અચાનક પહેલીવાર સ્ત્રીને છાતીમાં ગરમાવો થાય છે. અનાડીની જેમ એ છાતીને ચોળવા માંડે છે, ત્યારે પહેલાં પાણી જેવું, પછી પીળું ને અંતે સફેદ દૂધ વહી નીકળે છે..
સંતાન ગુમાવનાર માતાની 5 ટૂંકી વાર્તામાંની આ એક વાર્તાની લેખિકા હાન કાંગને ધ વેજિટેરિયન' નવલકથા માટે 2024નોનોબેલ પુરસ્કાર’ મળ્યો છે. છેક 1913માં આપણાં કવિગુ ટાગોર બાદ એશિયામાં બીજીવાર, દક્ષિણ કોરિયાને પહેલીવાર અને એક એશિયન લેખિકાને પ્રથમવાર આ સન્માન મળ્યું છે.
ધ વેજિટેરિયન' ટાઇટલથી લાગે કે એમાં શાકાહારીઓ વિશે વાત હશે. જી ના, એમાં એવી કોઇ ઇમોશનલ ગાથા કે ટે્રડિશનલ સનસનીખેજ કથા નથી. વળી આ નોવેલમાંનિશાનો પતિ દેખાવડી ઇશા માટે એને છોડીને કાયમ માટે જતો રહે છે’ની ટિપિકલ વેદના ય નથી કે વિધવા શુભાને દીકરી રીયાનાં બોયફ્રેંડ કેયૂર માટે આકર્ષણ થતાં, વરસો બાદ માથામાં ગજરો મૂકે છે' જેવી આંસુભીની ધાંસુ ફોર્મ્યૂલા પણ નથી..કે60 વરસે વિદ્યા મનમાં અને સાડીમાં ગાંઠ વાળે છે કે હવે કદી કૂકર નહીં ચઢાવું, જાવ!' જેવો વેલણપછાડ વલોપાત નથી..કે પછીનવરંગપુરાનાં નાણાવટી પરિવારમાં મરેલી વહુ વસુધાનું ભૂત વસે છે, બોલો!’ જેવી ઘટનાઓનો ઘુમાવ પણ નથી..કે ચંદુનાં ચંપલ ચોરાઇ જતા ચંબલમાં ડાકુ બની ગયો' જેવી વીરકથાયે નથી કે વળી7 દૂધમલ યુવાનો, રિઝર્વબેંક લૂંટીને નદીની કોતરોમાં 17 મહિના સંતાઇ જાય છે’ એમાં કોતરોનું 10 પાનાંનું રોમહર્ષક વર્ણન સુધ્ધાં નથી.
.તો છે શું?
સાવ સાદી ને છતાંયે આખાં અસ્તિત્વને પીછાંનાં સ્પર્શથી હચમચાવી મૂકે એવી નવલકથાની નાયિકા યોંગહાઇ સાધારણ દેખાતી ગૃહિણી છે. પતિની ફાંદ કે કુટેવ વિશે કદી સવાલ ના ઉઠાવતી નમ્ર સ્ત્રી છે, પણ પતિ યોંગને વારંવાર `પેડેડબ્રા’ પહેરવા વઢે છે. બ્રા પહેરાવાથી યોંગને ગૂંગળામણ થાય છે છતાંયે એ કમને કબૂલે છે, પરંતુ એક રાતે, એક સપનું, એ આમ ઔરતનાં અસ્તિત્વને ઉથલાવી નાખે છે. જી ના, એ કોઇ પરપુષનું શૃંગારિક સપનું નહોતું, પણ એકસાથે અનેક પ્રાણીઓને મારી નંખાતા હોય એવું લોહિયાળ સ્વપ્ન હતું. બસ ત્યારથી યોંગ, માંસ ખાવાનું છોડી દે છે, ધીમેધીમે પતિથી શારીરિક માનસિક રીતે દૂર થતી જાય છે ને કહે છે:
`મને તમારાં શરીરમાંથી માંસની ગંધ આવે છે!’
રાતોરાત વેજિટેરિયન થવાનાં યોંગના વિદ્રોહી નિર્ણય સામે પતિ અને યોંગનો સગો બાપ એને બળજબરીથી માંસ ખવડાવે છે, જેના આઘાતથી યોંગ પોતાનું કાંડું કાપી નાખે છે….
અહીં પ્રથમ ભાગમાં યોંગનું લગ્નજીવન ખતમ. આ એક નારીવાદી કથા તો છે જ, પણ સાથોસાથ વ્યક્તિવાદી કથા પણ છે. એમાં `વેજ-નોનવેજ’નો ઉભડક વિવાદ નથી, કશુંક વિશેષ છે. ટિપિકલ બીબાંમાં જીવવા માટે, નાનપણથી આપણી આસપાસ જે સામાજિક દબાવનો કાળમીંઢ કિલ્લો રચવામાં આવે છે એને ધ્વસ્ત કરતો વિદ્રોહ છે.
ઇન્ટરવલ:
પેડ સે લિપટી બેલ જો દેખું,
લાજ સે મર મર જાઉં!
(ઈંદ્રજીતસિંહ તુલસી)
બીજા ભાગમાં, યોંગહાઇની મોટીબહેન ઈનહાઇ એનાં દીકરાના શરીર પરમોંગોલિયનમાર્ક’ એટલે કે લાખું જોઈને એનાં પતિને કહે છે, યોંગની પીઠ નીચે પણ આવું જ લાખું હતું!' પછી કલાકાર બનેવી યોંગનેઆર્ટપ્રોજેક્ટ્’ માટે આખા શરીર પર ફૂલોનાં છૂંદણાં ચિતરવા પ્રેરે છે. યોંગનાં નગ્ન શરીર પર ફૂલો કોતરવાની આખી પ્રક્રિયાનું બનેવી રેકોર્ડિંગ કરે છે અને ત્યારે બેઉમાં શારીરિક નિકટતા વધે છે. યોંગ, બહેન ઇન અને બનેવી ત્રણેય વચ્ચેનાં સૂક્ષ્મ સંબધોની કથા, માનવીય તનમનનાં ઉંડાણને સ્પર્શીને પણ ઊંચાઇને આંબે છે.
આ પણ વાંચો : કેન્વાસ : જેન્ડર ઇક્વાલિટી… ભ્રમણા કે માન્યતા?!
`ધ વેજિટેરિયન’નાં છેલ્લા ભાગમાં યોંગને બદલે બહેન ઈન-હાઇ, હીરોઇન છે. ઈન-હાઇ પતિને વ્યભિચારને લીધે છોડે છે, પણ યોંગને એ માટે જવાબદાર ગણતી નથી. આમેય હવે મેન્ટલ હોસ્પિટલમાં રહેતી યોંગનું ધ્યાન તો બહેને જ રાખવાનું છેને? એકવાર બહેનને હોસ્પિટલમાંથી ફોન આવે છે કે યોંગ, જંગલમાં ભાગી જઇને ગુમ છે. બહેનને યાદ આવે છે કે 9 વર્ષની નાનકડી યોંગ, બાપના મારથી બચવા ઘરેથી ભાગીને જંગલમાં જતી રહેલી. ત્યારે ઘર કરતાં જંગલનાં વૃક્ષો એને વધુ સલામત લાગ્યા હશે? હવે મોટી ઉંમરે યોંગ, ધીમેધીમે ખાવાનું છોડી દે છે ને પોતે વૃક્ષ હોય એમ વર્તવા માંડે છે. (આપણાં કવિનાટ્યકાર લાભશંકર ઠાકરના એક નાટકની જેમ જ!) પછી હોસ્પિટલવાળા યોંગને બળજબરીથી ખવડાવે છે ત્યારે બહેનને યાદ આવે છે કે એનાં બાપે પણ યોંગને બળજબરીથી માંસ ખવડાવેલું.
અંતે બહેન, યોંગને બીજે લઈ જાય છે ત્યારે બંને સ્ત્રી રસ્તા પર પવનમાં ઝૂમતાં વૃક્ષોને શૂન્ય નજરે નીરખે રાખે છે. યોંગનાં મૂંગા પ્રતિકારને બહેને ઓળખી લીધો છે. કાવ્યાત્મક ક્લાઇમેક્સમાં બહેનને લાગે છે કે યોંગ, હવે ખરેખર વૃક્ષકે વેજિટેબલ' બની ચૂકી છે અને હવે પોતે પણયોંગ’ બનવાની દિશામાં ધીમે ધીમે જઇ રહી છે.
હાન કાંગની કથાનો અંત વાંચીને સુન્ન થઈ જવાય છે, કારણ કે હાન કાંગ કહે છે:
`જે દુનિયામાં જીવવું હોય એમ જીવાતું નથી, ખાવું હોય એમ ખવાતું નથી, વર્તવું હોય એમ વર્તી શકાતું નથી ને મરવું હોય તેમ મરી યે શકાતું નથી ત્યાં ડહાપણની સીમામાં કોઇ ક્યાં સુધી જીવી શકે?’
આ અદ્ભુત કથામાં છે, ભીનાશ વિનાનાં આંસુ અને અવાજ વિનાનું દન.
એન્ડ-ટાઇટલ્સ:
ઈવ: તને ઝાડપાન ગમે?
આદમ: હાસ્તો, મૂંગા હોયને!
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને