નાઇજીરિયામાં ગેસોલીન ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ થતા મોટો અગ્નિકાંડ સર્જાયો છે, જેમાં 70 જણ આગમાં ભડથું થઇ ગયા છે. ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એમ જાણવા મળી રહ્યું છે કે ટેન્કરમાં અચાનક થયેલા વિસ્ફોટને કારણે ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ ઘણી જ કતરનાક હતી અને એની જ્વાળાઓ ઘણા મીટર ઊંચે સુધી ઉઠતી હતી. આગને લીધે ચારેબાજુ આકાશમાં કાળું ડિબાંગ અંધારુ છવાઇ ગયું હતું અને સમગ્ર વિસ્તાર ધુમાડાથી ભરાઇ ગયો હતો. ગેસોલીન ભરેલા ટેન્કરમાં વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 70 જણાના મોત થયા છે.

Also read: નાઇજીરિયામાં કેનેડિયન હાઈ કમિશન પર હુમલો

નાઇજીરિયાની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના વડા હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ શનિવારે નાઇજર પ્રાંતના સુલેજા ક્ષેત્રમાં થયો હતો. એ સમયે કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસોલિન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એ સમયે આ વિસ્ફોટ થયો હતો. એમ માનવામાં આવે છે કે ગેસોલિન ટ્રાન્સફર વખતે લિકેજને કારણે આ વિસ્ફોટ થયો હતો. હાલમાં આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ વિસ્ફોટનું સાચુ કારણ જાણી શકાશે.
જ્યારે આ ઘટના બની ત્યારે ટેન્કરની આસપાસ ઘણા કર્મચારીઓ અને મજૂરો ઊભા હતા. આ બધા લોકો વિસ્ફોટને કારણે લાગેલી આગનો શિકાર બન્યા હતા. આ ઉપરાંત આ રસ્તેથી જઇ રહેલા રાહદારીઓ પણ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા, એમ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના હુસૈની ઇસાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને