Washington level   crash, fig  skating Athletes IMAGE BY The Irish Times

ઍરલિન્ગ્ટન (વર્જિનિયા): અમેરિકામાં વૉશિંગ્ટન નજીક બુધવારે એક પ્લેન અને અમેરિકી લશ્કરનું હેલિકૉપ્ટર ટકરાતાં મૃત્યુ પામેલા તમામ 67 લોકોમાં અમેરિકાની ફિગર સ્કેટિંગ ટીમના ચૅમ્પિયન ખેલાડીઓ તેમ જ તેમના પરિવારજનોનો પણ સમાવેશ હતો અને વધુ દુઃખની વાત એ છે કે આ ગોઝારી ઘટના અગાઉ ભૂતકાળમાં થયેલા હવાઈ અકસ્માતોમાં મૃત્યુ પામેલાઓની યાદી ઘણી લાંબી છે.

વધુ આઘાતજનક બાબત એ છે કે 1961માં પણ એક વિમાન અકસ્માતમાં અમેરિકાની આખી ફિગર સ્કેટિંગ ટીમને વિમાની અકસ્માત નડતાં તમામના મૃત્યુ થયા હતા.

ભલભલા કઠણ હૃદયવાળા માનવીને કંપારી છૂટી જાય એવી તાજેતરની વૉશિંગ્ટનની હવાઈ દુર્ઘટનામાં 12 વર્ષની એક સ્કેટર બ્રિલ બેયર પણ હતી જેણે થોડા દિવસ પહેલાં જ 12મો જન્મદિન ઉજવ્યો હતો. તેની સાથે તેની મમ્મી જસ્ટીના બેયર પણ હતી અને તેનું પણ આ હોનારતમાં મૃત્યુ થયું હતું.

આપણ વાંચો: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશઃ શૉપિંગ મૉલ પર પડતા જાનહાનિ વધી

એવગેનિયા શિશકોવા અને વાદિમ નૉમોવ 1994માં વર્લ્ડ ફિગર સ્કેટિંગમાં જોડીમાં ચૅમ્પિયન બન્યા હતા. તેમનું પણ આ હોનારતમાં મૃત્યુ થયું હતું.

અમેરિકાના ઘણા ફિગર સ્કેટિંગ સ્પર્ધકોના આ ઘટનામાં મૃત્યુ નીપજતાં હવે માર્ચમાં બૉસ્ટન શહેરમાં યોજાનારી વર્લ્ડ ફિગર સ્કેટિંગ ચૅમ્પિયનશિપના આયોજનને અસર થશે. એ સ્પર્ધા કદાચ વિલંબમાં મૂકાઈ શકે.

ભૂતકાળમાં હવાઈ હોનારતમાં મૃત્યુ પામેલા સ્પોર્ટ્સપર્સન્સ

(1) 2020માં મહાન બાસ્કેટબૉલ ખેલાડી કૉબે બ્રાયન્ટ, તેની 13 વર્ષની દીકરી જિયાના તથા અન્ય સાત જણના હેલિકૉપ્ટર હોનારતમાં મૃત્યુ થયા હતા.

(2) 1999માં યુએસ ઓપન ગૉલ્ફ ટૂર્નામેન્ટ જીત્યાના ચાર મહિના બાદ ગૉલ્ફર પેઇન સ્ટુઅર્ટ તથા અન્ય પાંચ જણના એક પ્રાઇવેટ જેટ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયા હતા.

(3) 1977માં અમેરિકામાં ઇવાન્સવિલ પર્પલ ઍસીસ નામની બાસ્કેટબૉલ ટીમના તમામ 14 ખેલાડીઓ તેમ જ કોચ બૉબી વૉટ્સનના વિમાન અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા હતા.

આપણ વાંચો: Kazakhstan Plane crash: પ્લેન ક્રેશ થયા પહેલા વિમાનમાં કંઇક આવા દ્રશ્યો સર્જાયા હતાં, જુઓ વિડીયો

(4) 1970માં અમેરિકાની માર્શલ યુનિવર્સિટીના 36 ફૂટબૉલ ખેલાડીઓ તેમ જ 39 કોચ તથા તેમના સપોર્ટ સ્ટાફને લઈ જતું વિમાન વેસ્ટ વર્જિનિયામાં ઍરપોર્ટના રનવે પર ઉતરવાની તૈયારીમાં જ હતું એ પહેલાં નજીકના પર્વત સાથે વિમાન ટકરાતાં તમામ ખેલાડીઓ અને બધા પ્રશિક્ષકોના મૃત્યુ થયા હતા.

(5) 1969માં અમેરિકાના ભૂતપૂર્વ વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયન બૉક્સર રૉકી માર્સિયાનો તેમ જ બીજા બે વ્યક્તિઓને લઈ જતું નાનું વિમાન ખેતરમાં તૂટી પડતાં તમામ લોકોના મૃત્યુ થયા હતા.

(6) 1961માં અમેરિકાની ફિગર સ્કેટિંગ નૅશનલ ટીમના તમામ સ્પર્ધકો ચેકોસ્લોવાકિયામાં વિશ્વ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બેલ્જિયમમાં થયેલા વિમાની અકસ્માતમાં તમામના મૃત્યુ નીપજ્યા હતા.

(7) 1958માં ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબૉલ ક્લબની ટીમના ખેલાડીઓ અને કોચ સહિત કુલ 23 જણના પ્લેન ક્રેશમાં મૃત્યુ થયા હતા. જોકે ફૂટબૉલ લેજન્ડ બૉબી ચાર્લટન બચી ગયા હતા.

(8) 1970માં કૉલરૅડોમાં થયેલા વિમાન અકસ્માતમાં યુનિવર્સિટી 14 ફૂટબૉલ ખેલાડીઓ, કોચ, વહીવટકારો સહિત 31 જણના મૃત્યુ થયા હતા.

(9) 1972માં ઉરુગ્વે રગ્બી ટીમને અકસ્માત નડ્યો હતો જેમાં 45માંથી માત્ર 16 જણ બચ્યા હતા અને બે મહિના સુધી વિમાનનો કાટમાળ ન મળતાં બચી ગયેલાઓએ બરફના તોફાન તથા વાવાઝોડાની સ્થિતિમાં સંઘષભર્યા દિવસો વીતાવવા પડ્યા હતા તેમ જ મૃત્યુ પામેલાઓના માંસ ખાઈને પેટ ભરવું પડ્યું હતું.

આપણ વાંચો: Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ પછીના દ્રશ્યો હતા બિહામણા, પ્લેનના બે ટુકડા અને મૃતદેહોના ઢગલા…

(10) 1980માં અમેરિકાની બૉક્સિંગ ટીમના મેમ્બરોનું 1980ની મોસ્કો ઑલિમ્પિક્સના થોડા દિવસ પહેલાં વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા હતા. એ ઘટનામાં 14 બૉક્સર સહિત તમામ 87 મુસાફરોના મૃત્યુ નીપજ્યા હતા.

(11) 2011માં રશિયાની આઇસ હૉકી ટીમના 36 ખેલાડીઓ અને કોચ સહિત 44 જણના પ્લેન ક્રેશમાં મૃત્યુ થયા હતા. બચી ગયેલો એકમાત્ર ખેલાડી પછીથી એ હોનારતમાં દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યો હતો.

(12) 1993માં ઝામ્બિયાની સૉકર ટીમના ખેલાડીઓને લઈ જતું લશ્કરી વિમાન સમુદ્રમાં ખાબકતાં 18 ખેલાડીઓ અને પાંચ અધિકારીઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

(13) 2017માં બેઝબૉલ ખેલાડી રૉય હૉલડેનું મેક્સિકોની વિમાન હોનારતમાં મૃત્યુ થયું હતું. 2006માં બેઝબૉલ ખેલાડી કૉરી લિડલનું નાનું પ્લેન મૅનહટનમાં એક ઑફિસવાળા બિલ્ડિંગ સાથે અથડાતાં તેનું મૃત્યુ થયું હતું. 1993માં ઑટો રેસિંગના બે ડ્રાઇવર ડેવી ઍલિસન અને ઍલન કુલવિકીના વિમાન હોનારતમાં મૃત્યુ નીપજ્યા હતા.

(14) 1979માં બેઝબૉલ ખેલાડી થુર્મન મુન્સૉને પોતે જ પ્રાઇવેટ જેટ વિમાન ઉડાડ્યું હતું અને ત્યારે ઓહાયોમાં પોતાના ઘરની નજીકના એક વિસ્તારમાં તેનું પ્લેન તૂટી પડતાં તેનું મૃત્યુ થયું હતું.

(15) અમેરિકાની મેજર લીગ બેઝબૉલ સ્પર્ધાના ખેલાડી રોબર્ટો ક્લીમેન્ટનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું.

(16) 1931માં અમેરિકાના જાણીતા ફૂટબૉલ કોચ ન્યૂટ રૉકને અને બીજા સાત જણને લઈ જતું વિમાન કેન્સસ નજીકના વિસ્તારમાં તૂટી પડતાં તમામના મૃત્યુ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને