nishkulanand swami bhajans
  • ડૉ. બળવંત જાની

નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાના મહંતપદે રહીને પોતાની વ્યવસ્થાપન શક્તિ અને રમણીય-કમનીય મંદિર નિર્માણમાં પોતાની કલાદૃષ્ટિની પરખનો પરિચય કરાવેલો. ખાસ તો મંદિરના પ્રમુખ દ્વારની એક જ પથ્થરમાંથી પોતે કમાન આલેખેલી અને કોતરેલી. એમણે ઈષ્ટદેવના અખંડ નામ-જાપથી કોરેલી કમાનનો પણ ભક્તજનો સ્પર્શીને દર્શનલાભ મેળવે છે.

Also work : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા

આ કોતરણી એવી દિવ્ય તેજ પાથરતી કે બ્રહ્માનંદ સ્વામીએ એની પ્રતિકૃતિને નમૂના તરીકે નિર્મિત કરાવીને મૂળીના સ્વામિનારાયણ મંદિરમાં કોતરાવીને સ્થાપિત કરેલી. એક વખત સુરેન્દ્રનગર સ્વામિનારાયણ ગુરુકુળના ગુરુવર્ય સાત્ત્વિકસંત નારાયણ સેવાદાસજી સાથે બ્રહ્માનંદ સ્વામીના સફળ પરિસંવાદના સમાપન પછી દિનાંક 6-5-99ના દિવસે મૂળી મંદિરના દર્શનાર્થે જવાનું બનેલું. નારાયણસેવાદાસજીએ એ કમાનની વંદના કરેલી અને તે સમયના સાથી નાનાસ્વામીએ તો ત્યાં તેની સમક્ષ પણ દંડવત કરેલા. ત્યારે નારાયણસેવાદાસજીએ નિષ્કુળાનંદની શિલ્પકળાની આ વિગતો મને જણાવેલી. એ આજે પણ સ્મરણમાં અકબંધ છે.

ગઢડા અને જૂનાગઢના મંદિરોના રમણીય નિર્માણની પાર્શ્વભૂમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ દાખવેલો કલાત્મક દૃષ્ટિકોણ એ સંપ્રદાયમાં કંઠોપકંઠ જળવાયેલું સત્ય-તથ્ય છે :
એમનું પૂર્વાશ્રમનું પરંપરિત ગુજરાતી શૈલીનું તળપદુ શિલ્પ-કોતરણી કૌશલ્ય સંતઅવસ્થા જીવનમાં પણ જળવાયું અને પરંપરાનું એ નિમિત્તે જતન-સંરક્ષણ થયું.

ગુજરાતના સ્વામિનારાયણ મંદિરોમાંની કાષ્ટકોતરણી અને પથ્થર કોતરણીથી ઓપતાં મંદિરોનું સ્થાપત્ય ગુજરાતની મંદિર સુશોભિત કલામાં એક મહત્ત્વનું પ્રકરણ છે. જૈનમંદિરોની સમાન્તરે એનું સાત્વિક અને સંયમિત ભાવને પ્રગટાવતા રૂપને હું નિષ્કુળાનંદની દૃષ્ટિ-સૃષ્ટિનું પરિણામ ગણું છું. ભવિષ્યમાં આર્કિટેક્ટ વિદ્યાના નિષ્ણાતો આનો અભ્યાસ કરશે ત્યારે એનું ખરું તથ્ય અભ્યાસીઓ સમક્ષ પ્રગટશે. નિષ્કુળાનંદનું શિલ્પકૌશલ્ય પણ શબ્દ-કાવ્ય કૌશલ્યની સમાન્તરે ભારે મહત્તા અને મૂલ્યવત્તા ધરાવનારું ઘટક છે. તેઓની સાત્વિક વ્યક્તિમત્તા જાણેકે શિલ્પ અને શબ્દના માધ્યમથી અનુપમ રૂપે પ્રગટી જણાય છે.

Also work : અલખનો ઓટલો: ગુજરાતનાં લોકનૃત્યો ને લોકસંગીત

  • * *
    નિષ્કુળાનંદનો પૂર્વાશ્રમનો ઈ.સ. 1800માં જન્મેલો મોટો દીકરો માધવ અઢાર વર્ષની વયે ઈ.સ. 1818માં પિતાશ્રી નિષ્કુળાનંદજીના દર્શને ગઢડા આવેલ અને પછી ભગવાન સ્વામિનારાયણના દર્શને ગયો. શ્રીહરિ એમને જોઈને ખૂબ પ્રસન્ન થયા. આશીર્વાદ આપતા કહેલું કે બ્રહ્મચારીજી એમને તમે નિત્યપ્રસાદનો થાળ જમાડજો. પછી માધવ એક મહિના જેટલો સમય રહૃાા. વિદાય પૂર્વે નિષ્કુળાનંદની પાસે દર્શને ગયા.

નિષ્કુળાનંદજીએ સંસારની અસારતાનો અને માનવ સંબંધોની ક્ષણભંગુરતાનો બોધઉપદેશ આપેલો. મુક્તાવતાર હોવાથી ભાવબોધનો મર્મ પામીને સીધા જ ગોપાળાનંદજી સ્વામી પાસે જઈ સાધુ થવાની મહેચ્છા જણાવી. સ્વામીએ અનુમતિ આપીને ભગવા ધારણ કરાવીને શ્રીહરિ પાસે દર્શનાર્થે લઈ ગયા. પરિચય પામીને પ્રસન્ન થઈને કહૃુાં કે `સિંહના તો સિંહ જ હોય ને’ એમની વૈરાગ્યવૃત્તિ જાણી વિશેષ આનંદિત થયેલા. સાધુરૂપે ગોવિંદાનંદ નામકરણ કરાવીને ગોપાળાનંદ સ્વામી પાસે સાળંગપુર હનુમાનજીની સેવામાં સાથે રાખેલા. નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે, પ્રથમ આરતી ઉતારનારા અને બાદમાં હનુમંત સેવક તરીકે તેઓ ભારે ખ્યાત થયેલા.

નિષ્કુળાનંદના પુત્ર દીક્ષિત થયા પછી શ્રીહરિએ પુન: નિષ્કુળાનંદજીને ગ્ૃાહસ્થમમાં જવાનું કહેલું એના પ્રત્યુત્તરરૂપે રજૂ કરેલાં પદનો એક અંશ જુઓ :
મને સુપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીયે વમન થયું મન ઉતર્યું, એવો જાણ્યો રે સંસાર.’ બીજા એક પદમાં પણ ગાયું છે કે મુુને મળ્યા પુરુષોત્તમરાય, રોક્યો કેન્યો નહીં રહું.’
પોતાને થયેલા સાક્ષાત્કારની મનોભિવ્યક્તિ એમાં અવલોકી
શકાય છે.

  • * *

વિ.સં. 1902, ઈ.સ. 1846માં એમના આયુષ્યના અંતિમ ગાળામાં અનેક રોગથી, ખાસ તો ખાંસી, તાવ અને ક્ષયરોગથી ઘેરાયેલા રહેતા, છતાં પણ ભક્તિસંદર્ભના શાસ્ત્રમતને પદ્યમાં ઢાળીને 44 કડવાં, અગિયાર પદ, એક ધોળ, બે-સોરઠા અને બે દોહરા મળીને કુલ 508 ચરણનો એમના શાસ્ત્રોના સ્વાધ્યાયના, વ્યાપકરૂપના શાસ્ત્રીય અભ્યાસના અર્કરૂપ `ભક્તનિધિ’ ગ્રંથ રચનામાં ભારે નિષ્ઠાથી ધોલેરાના મંદિરમાં બેસીને સર્જન રત રહૃાા. અશક્ત શરીર, ધ્રુજતા અંગો અને સતત ઉધરસ-ખાંસી વચ્ચે શ્રીહરિનું સ્મરણ કરતા રહીને લેખન મગ્ન રહેતા. ક્યારેક માથું ઢાળિયા પર ઢાળીને વિશ્રામ કરી લેતા.

Also work : ગીતા મહિમા : સંયમની જરૂર છે?

સાથી સંતોએ આવી પીડામાંથી મુક્તિ માટે સ્વધામમાં લઈ જવાની શ્રીહરિને પ્રાર્થના કરેલી. નિષ્કુળાનંદજીને આનો ખ્યાલ આવી જતાં કહેલું કે મારા શરીરમાં દુ:ખ થતું હોય તો ભલે થાય, પરંતુ મને ભક્તિ અને દર્શનાદિકનો દુર્લભ લાભ મળે છે. પ્રારબ્ધ કર્મ નિરવશેષ આ જન્મમાં જ કરવાના હોય. ભક્તવત્સલ ભગવાનને જેમ કરવું હોય તેમ કરશે.’ નિષ્કુળાનંદની આવી અશેષ વૈરાગ્યભાવના એમની અધ્યાત્મક્ષેત્રની ભારે ઊંડાણ અને ઊંચાઈ ધરાવતી ભૂમિકાનો પરિચય કરાવે છે.ભક્તનિધિ’ ગ્રંથ ચૈત્ર મહિનાની નવમીએ પૂર્ણ કર્યો, પછી નામજાપ અને ધોલેરા મંદિરે આરસનું કામ કરાવતા તેમાં દેખરેખ રાખતા અને સતત શ્રીહરિની મૂર્તિમાં જ ધ્યાનમગ્ન રહેતા.

અષાઢ વદ ચોથની આગલી રાત્રીએ રામાનંદસ્વામીએ દિવ્યદર્શન આપીને કહૃુાં કે ધામમાં તેડી જવા છે, નિષ્કુળાનંદને દૃઢ ભક્તિ ભગવાન સ્વામિનારાયણમાં જ હતી એટલે કહે કે બીજે દિવસે રાજભોગના દર્શન કરી સાધુ-સંતોને જ મોક્ષને ભગવાનની મૂર્તિમાં ધ્યાન ધરીને બાર વાગ્યે ભગવાનશ્રી સ્વામિનારાયણ સાથે અક્ષરધામમાં આવવું છે.’ એમ જ થયું. ધોલેરામાં એમની સમાધિનો ઓટલો છે. આજે પણ ત્યાગમૂર્તિ, સંતભક્તકવિ અને સદાચારી નિષ્કુળાનંદની દિવ્યચેતના એમને સ્પર્શતા જ આપણને ધ્યાનમગ્ન અવસ્થામાં મૂકી દયે છે.

Also work : અલૌકિક દર્શન : અંતરાત્માને અહંકારનો પડદો છે ને અવિદ્યાનું બંધન છે

એંશી વર્ષના આયુષ્યમાંથી એકતાલીશ વર્ષ ગૃહસ્થાશ્રમ અને એટલા જ વર્ષનો સંતજીવનકાળ. ચાલીસ વર્ષના સંતજીવનકાળમાં સતત સાહિત્ય ઉપાસના કરી અને શ્રીહરિની કૃપાએ અમરત્વ અર્પનારા વેદાંત, દર્શન, ધર્મશાસ્ત્રોના વ્રતોનું ઈષ્ટ અર્થઘટન, ઉપનિષદ અને પુરાણોના અભ્યાસનો અર્ક ઉપરાંત શ્રૃતપરંપરા અને સત્સંગ દ્વારા અર્જીત કરેલ જ્ઞાનને સ્વામિનારાયણ સિદ્ધાંતને ઢભાવ આપવા માટેનું સમુચિત સર્જન કર્યું, એ સંપ્રદાયમતને સમર્થિત કરતી મહત્ત્વની મુદ્રાઓ છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને