Cold Wave Alert successful  India

ભુજઃ જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડો પર તાજેતરમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રણપ્રદેશ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટ પર સ્થિર થઇ જતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. થોડા વિરામ બાદ ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પણ મોડી સાંજે પવન અને ઠંડક પ્રસરતા લોકો ફરી સ્વેટર, શાલમાં દેખાયા હતા. અમદાવાદમાં બપોરે તાપમાન 22થી 24 ડિગ્રી આસપાસ રહ્યું હતું જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે લગભગ ત્રણથી ચાર ડિગ્રીનો ફરક અનુભવાઈ રહ્યો છે.

અચાનક વધેલી ઠંડીના માર વચ્ચે આજે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ ૮.૪ ડિગ્રી સે.જયારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ૧૩.૪ ડિગ્રી સે.લઘુતમ તાપમાન નોંધાયું હતું. તેમાં પણ વળી ઉત્તર-પૂર્વ દિશાએથી પ્રતિકલાકે ૮ કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહેલા પવનો ઠંડીની ધાર તેજ બનાવી રહ્યા છે. ગાંધીધામ-કંડલામાં ઠંડીનું જોર આંશિક વધઘટ સાથે યથાવત્ રહ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે આજનું લઘુત્તમ તાપમાન ૧૫ અને કંડલા પોર્ટ ખાતે ૧૬ ડિગ્રી નોંધાયું છે. સતત ઉત્તર દિશાએથી વેગીલા વાયરાઓએ ઠંડીની ધાર વધુ તેજ બનાવતાં બપોરે પણ ઠંડીની ચમક વર્તાઈ રહી છે.

Also read: ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી ઠંડીનું જોરઃ પવન ફૂંકાતા લોકો ઠુઠવાયા

ભુજ,નલિયા સહિતના મોટાભાગના સ્થળોએ સમીસાંજથી શેરી રસ્તાઓ પર ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા લોકો હાલ નજરે પડી રહ્યા છે. મોસમ વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમ્યાન વાતાવરણ સૂકું રહેવાની સાથે ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને