ભુજ: સીમાવર્તી જિલ્લા કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું છે. આ સાથે જિલ્લામાં સાત લોકોના અકાળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. ઘટનાની મળતી વિગતો અનુસાર બંદરીય માંડવી શહેરના પોલીસ મથકની પાછળના રહેતા સૈયદ યાસીનશાના ત્રણ વર્ષના પુત્ર સલમાનશાહનું આજે ફુગ્ગો ફુલાવા જતાં તે નળીમાં ફસાતાં કરુણ મૃત્યુ નીપજતાં અરેરાટી પ્રસરી છે. આ કરુણ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ, ફુગ્ગા ફુલાવી રહેલા સલમાનશાહથી ઉંધી ફૂંક લાગતાં ફુગ્ગો તેની અન્નળીમાં અટકી ગયો હતો. ઘરની બહાર જ હોઇ તરત સારવાર અર્થે લઇ જવામાં આવ્યો, પરંતુ ગણતરીની મિનિટોમાં જ તબીબની સારવાર નસીબ થાય તે પહેલાં જ તેણે આ ફાની દુનિયા છોડી વિદાય લઇ લીધી હતી. આ બનાવથી કુટુંબ, પરિવાર તથા માંડવીમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું છે.
આ દુર્ઘટનાઓએ લીધો છનો ભોગ
જિલ્લામાં અલગ અલગ દુર્ઘટનાઓમાં અન્ય છ જણના મોત નિપજ્યા છે. ભુજમાં એક્ટિવા સ્લીપ થઇ જતાં ઘાયલ થયેલા ૫૧ વર્ષીય કિરણભાઇ દેવજીભાઇ પરમારનું જ્યારે ૪૫ વર્ષીય અજ્ઞાત મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, મૂળ ભુજ હાલે હાજીપીર રહી પંક્ચરની દુકાન ચલાવતા ૨૨ વર્ષીય સાહેવાઝ વકીલ અહેમદ શેખે દુકાનમાં ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. ઉપરાંત માધાપરમાં ગીઝર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં ૩૮ વર્ષીય ભીખારામ મસરીરામ સુથારને કાળ આંબી ગયો હતો, ભચાઉ ખાતે વાડીમાં જંતુનાશક દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં જોગા બાવા ઠાકોર નામના ૨૫ વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું, વરસામેડીની ખાનગી કંપનીમાં કામ કરતા સહેન્દ્ર યાદવ નામના ૩૫ વર્ષના યુવકનું અચાનક હૃદય ધબકતું બંધ પડી જતાં મોત થયું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,ભુજના ઘોરાડચોકમાં રહેતા કિરણભાઇ તેમના સ્કૂટર પર સવાર થઈની હમીરસર તળાવ સામે આવેલી ઓફ્રેડ હાઇસ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વાહન સ્લીપ થઇ જતાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં ટૂંકી સારવાર દરમ્યાન અંતિમશ્વાસ લીધા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ભુજની મધ્યમાં આવેલાં જ્યુબિલી સર્કલ પાસેથી બેભાન હાલતમાં મળી આવેલી એક અજાણી મહિલાનું જી.કે જનરલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતાં એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ અજાણી મહિલાની ઓળખ જાણવા તજવીજ આદરી છે.
મૂળ ભુજના આરટીઓ સર્કલ પાસે રહેતા અને છેલ્લા બે વર્ષથી હાજીપીરમાં રહી ટાયર પંક્ચરની દુકાન ચલાવતા સાહેવાઝે ગત રાતથી આજ સવાર સુધી કોઇ અગમ્ય કારણોસર તેણે પોતાની દુકાનના લોખંડના એંગલમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Also read: માંડવીમાં પરણિતાએ આપઘાત કર્યો, ગાંધીધામમાં અકસ્માતના બે બનાવોમાં બે યુવકોના મોત
અપમૃત્યુનો અન્ય બનાવ ભુજના માધાપર ગામના નવાવાસની જલારામ સોસાયટી ખાતે બનવા પામ્યો હતો જેમાં અહીં રહેતા ભીખારામ પોતાના ઘરે બાથરૂમમાં ગરમ પાણીનું ગીઝર ચાલુ કરવા જતાં તેમને વીજળીનો જોરદાર શોક લાગ્યો હતો. ભીખારામને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા.
ભચાઉ શહેરની ભાગોળે આવેલી મનજી ભીખા આહીરની વાડી પર ગઇકાલે સવારે જોગા ઠાકોર નામનો યુવાન જંતુનાશક દવા છાંટી રહ્યો હતો જેમાં તેને આ દવાની ઝેરી અસર થતાં તેને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન આ યુવાને દમ તોડી દીધો હતો. વધુ એક અકાળ મોતનો બનાવ વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં બન્યો હતો. આ કંપનીમાં કામ કરનાર શ્રમિક સહેન્દ્ર યાદવને અચાનક ચક્કર આવતાં તે બેભાન થયો હતો, તેને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને