નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ગત વર્ષે શરુ થયેલ વ્યાપક રાજકીય આંદોલનોને (Bangladesh Protests) કારણે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના(Sheikh Hasina)એ પદ અને દેશ છોડવા પડ્યા હતાં. અહેવાલો મુજબ શેખ હસીના પરિવાર સાથે હાલ ભારતમાં શરણ લઇ રહ્યા છે. એવામાં હસીનાએ અવામી લીગ પક્ષના સમર્થકોને સંબોધન આપ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ખરેખર તેમની હત્યા કરવા માટે છે.
ફેસબુક લાઈવ દ્વારા પાર્ટીના કાર્યકરોને સંબોધતા શેખ હસીનાએ કહ્યું કે જો આ હુમલાઓ છતાં અલ્લાહે મને જીવિત રાખી છે, તો જરૂર કંઈક કામ કરાવવું હશે. જો એવું ન હોત તો હું મૃત્યુને આટલી વાર કેવી રીતે હરાવી શકી હોત?
Also read: શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?
મોહમ્મદ યુનુસ સામે આરોપ:
શેખ હસીનાએ કહ્યું, “બાંગ્લાદેશમાં શરૂ થયેલું આંદોલન હકીકતે મારી હત્યા કરવા માટે છે. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી. મારા નિવાસસ્થાનને આગ કેમ લગાવવામાં આવી? હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાયની માંગ કરું છું. શું મેં મારા દેશ માટે કંઈ નથી કર્યું? તો આટલું બધુ અપમાન શા માટે?’
હિંસા ફરી ભડકી:
નોંધનીય છે કે ગત વર્ષે શરુ થયેલું આંદોલન હજુ પણ ભડકી રહ્યું છે. બુધવારે મધ્યરાત્રિએ બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ધનમોન્ડી-32 ખાતેના નિવાસસ્થાનને આગ ચાંપી દીધી. તેમનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું.
‘ઇતિહાસ બદલો લે છે’
શેખ હસીનાએ કહ્યું કે તેમનામાં (વિરોધીઓમાં) હજુ પણ એટલી તાકાત નથી કે તેઓ લાખો શહીદોના જીવનના ભોગે પ્રાપ્ત કરેલી રાષ્ટ્રધ્વજ, બંધારણ અને સ્વતંત્રતાને તોડી પાડી શકે અને તેનો નાશ કરી શકે. તેઓ ઘર તોડી શકે છે, પણ ઇતિહાસ નહીં. તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ બદલો લે છે. બુલડોઝરથી ઇતિહાસ ભૂંસી શકાતો નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને