Gavaskar slams BCCI Ben stokes

નવી દિલ્હીઃ આગામી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની છે એમાં રમવા માટે ભારતે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવી જ પડશે એવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) મહિનાઓ સુધી જીદ પકડીને બેઠું હતું, પરંતુ છેવટે ધાર્યું તો ધણીનું જ થાય' એ કહેવત સાચી પડી અને બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ભારત સરકારના નિર્ણયને અપનાવીને ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય જાહેર કર્યો અને હવે સ્થિતિ એ છે કે આ ટૂર્નામેન્ટમાં ભારતની તમામ મૅચો હાઇબ્રિડ મૉડેલ હેઠળ દુબઈમાં રમાવાની છે. આ સ્થિતિમાં ભૂતકાળના એક ચોંકાવનારા બનાવે કરોડો ક્રિકેટરસિકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં દાઉદનું નામ કેમ? ભારતને `ધમકી’, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટને ઝેર ઓક્યું…

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ દુબઈમાં રવિવાર, 23મી ફેબ્રુઆરીએ રમાવાની છે. આમ તો ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને લગતી ઘણી જૂની વાતો છે જે ક્રિકેટચાહકોએ જાણી હશે, પણ એમાં એક બનાવ એવો છે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે. એક વાર એવો પરિસ્થિતિ નિર્માણ થઈ હતી જેમાં પાકિસ્તાનમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ જેલમાં જવું પડે એવી હાલત ઊભી થઈ હતી. જો એ સમયના સુકાની સુનીલ ગાવસકર ત્યારે ટીમની સાથે ન હોત તો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કદાચ જેલમાં જ મોકલવામાં આવ્યા હોત. 1983ના વર્લ્ડ કપના સુપર હીરો અને ઑલરાઉન્ડર મોહિન્દર અમરનાથે તાજેતરમાં જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આ જૂની વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કેએક વાર ટીમના મૅનેજરે ખેલાડીઓને દારૂની બૉટલ પોતાની સાથે લઈ જવા કહ્યું હતું. પાકિસ્તાન ઇસ્લામી રાષ્ટ્ર છે એટલે ત્યારે સવાલ એ ચર્ચાઈ રહ્યો હતો કે ત્યાં શરાબનું સેવન કરવા દેવામાં આવશે કે નહીં?

મોહિન્દર અમરનાથે 1980ના દાયકાની ઘટનાની વાત કરતા કહ્યું કે જ્યારે તેઓ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે ત્યાં દારૂની કોઈ તંગી હતી જ નહીં.

અમરનાથે સમારંભને સંબોધતા કહ્યું, `અમે બધા એક પાર્ટીમાં ગયા હતા જ્યાં પાકિસ્તાની ખેલાડીઓ પણ આવ્યા હતા. અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો એ સ્થળે ખૂબ અંધારું હતું. અચાનક પાકિસ્તાની લશ્કરનો એક સૈનિક આવ્યો અને અમારી તરફ એકે-47 તાકતા કહ્યું કે તમે અહીં દારૂ નહીં પી શકો. અમે તેને કંઈ પણ કહીએ એ પહેલાં તેણે પોલીસને બોલાવીને અમારી ધરપકડ કરવાની વાત કરી હતી.’

એ અરસામાં સુનીલ ગાવસકર ભારતીય ટીમના કૅપ્ટન હતા. તેમણે તરત જ સ્થિતિને માપી લઈને પેલા સૈનિકને કહ્યું કે જો તમે પાકિસ્તાની ખેલાડીઓની પણ ધરપકડ કરશો તો અમે અમારી ધરપકડ સામે કોઈ જ વિરોધ નહીં કરીએ.

ગાવસકરના આ સમજબૂઝવાળા પગલાં બાદ અમને બધાને છોડી દેવામાં આવ્યા હતા.

ગાવસકરે 1975થી 1985 દરમ્યાન કૅપ્ટન્સી સંભાળી હતી. તેમના સુકાનમાં ભારત 47 ટેસ્ટ રમ્યું હતું જેમાંથી નવ ટેસ્ટમાં ભારતનો વિજય અને આઠ ટેસ્ટમાં પરાજય થયો હતો. 30 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને