Devotees taking Peepal bath during Mahakumbh successful  Prayag

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

મારા મતદાર ભાઈઓ-બહેનો, કુંભમાં ડૂબકી લગાવવી એ અતિપુણ્યનું કામ છે. દરેકને એ સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. એવા ઘણા લોકો છે જે ત્રિવેણી સંગમ સુધી જઈ શકે તેમ નથી… એમના માટે દરેક શહેરમાં ત્રિવેણી સંગમની વ્યવસ્થા કરવામાં આવશે….હું જાણું છું કે શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સંતો-મહંતોનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે, પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય ત્યારે દુર્ઘટના ઘટે છે. જો મને મત આપી ચૂંટશો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. સાધુ-સંતોને આપને દ્વાર દર્શન માટે મોકલવામાં આવશે.

`હું તમને ખાતરી આપું છું કે જે કુંભ 144 વર્ષે યોજાય છે તે દર વર્ષે યોજાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે….’ આવા વજનદાર વચનવાળા ભાષણ પછી લોકોની તાળીઓના ગડગડાટ સાથે નેતાનો જયજયકાર થતો હતો. પાછી અંદરોઅંદર ચર્ચા પણ થતી હતી કે આ બહુ સારી યોજના કહેવાય… દર વર્ષે મહાકુંભ થાય તો ભીડ વહેંચાઈ જાય અને આ વર્ષે જે સ્નાન ન કરી શકે તે આવતા વર્ષે સ્નાન કરી શકે. આવું બધું સાંભળ્યા પછી મને એમ થયું કે મારા ખર્ચે આ તમામ લોકોને મહાકુંભમાં લઈ જાઉં અને ડૂબકી મરાવી દઉં. પેલા નેતાએ તો કુંભમાં ગુમ થઈ જવું જોઈએ, પરંતુ આવા અજ્ઞાન અને અબૂધ લોકો જ દેશનું નામ બદનામ કરે છે. હાલ તો લોકો મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી જિંદગીભરનાં પાપ ધોવાઈ રહ્યાં છે તેનો આનંદ માણી રહ્યા છે.

અમારો ચુનિયો રોજ ટીવી ચાલુ કરી ત્રિવેણી સંગમનાં દર્શન કરી અને ટીવી સામે જ મોટા ઢોલ કહેતાં પીપડું કહેતાં ડ્રમમાં પાણી ભરી તેમાં બેસી માત્ર ડોકું બહાર રાખી ટીવી સામું જોઈ રહે છે. અમારી બાજુવાળા પદુભાઈ જે 15-20 કિલોમીટર ચાલી ત્રણ-ચાર ડૂબકી મારી અને ત્યાંથી ત્રિવેણી સંગમનું પાણી એક શીશામાં ભરી અને લઈ આવ્યા હતા તેમાંથી ચુનિયો બે-ચાર ટીપાં નાખી ત્રિવેણી સંગમનો માહોલ ઊભો કરે. રોજ કોઈ ને કોઈ વીઆઈપી જેવો ટીવીમાં ડૂબકી મારે એટલે અહીં ચુનિયો પણ પાણીના અડધા ભરેલા ડ્રમ, કહેતાં પીપડામાં ડૂબકી મારે. પછી ગામ આખામાં કહેતો ફરે કે `કુંભમાં જેટલી સેલિબ્રિટ એ ડૂબકી મારી અને સ્નાન કર્યું એમની સાથે સાથે મેં પણ ડૂબકી મારી અને સ્નાન કર્યું છે….!’

છેલ્લા દસ દિવસથી તો આ સિસ્ટમથી ચુનિયાએ બિઝનેસ ચાલુ કરી દીધો છે – 10 ડ્રમ અને દરેકમાં 10-10 ટીપાં પવિત્ર પાણીનાં નાખી દે. મોટી ટીવી સ્ક્રીન સામે જેવા કોઈ સેલિબ્રિટી ડૂબકી મારે એટલે અહીં 10 ડ્રમમાં ઊભેલા ડૂબકી મારે. જોકે વચ્ચે બે દિવસ માટે એકદમ ડ્રમ કહેતાં પીપડામાં પ્રશ્ન થયો હતો. બાજુની સોસાયટીમાં રહેતા ઓઘડભાઈ એમના કમરના ઘેરાવાને કારણે ડ્રમમાં ફસાઈ ગયા હતા. હવે તો જોકે આવા ડ્રમ-ફાડ બોડીવાળાઓ માટે ચુનિયાએ બહાર બેસી ને ડોલ અને ડબલા સાથે નાહી શકાય તેવી વ્યવસ્થા કરી દીધી છે.

એક ડ્રમથી શરૂ કરેલું આ કામકાજ આજે 50 ડ્રમસ્નાનનો લોકો લાભ લઈ રહ્યા છે. દર અડધી કલાકે જેમ ટ્યુશનની બેચ બદલાય તેમ સ્નાનની બેચ પણ બદલાઈ જાય છે. મને મળ્યા પછી ચુનિયો એવું કહેતો હતો કે `કુંભ સ્નાનનો છેલ્લો દિવસ આપણે સોસાયટીના સ્વિમિંગ પૂલમાં જ રાખવો છે. અડધો શીશો ત્રિવેણી સંગમનું જળ તેમાં ભેળવી લોકોને આહ્વાન કરવું છે અને જમણી બાજુથી સ્વિમિંગ પૂલમાં પડી ડૂબકી મારી ડાબી બાજુથી નીકળી જાય. 24 કલાક આ સ્નાન ચાલુ રહેશે. ભલે બધાનાં પાપ બળી જાય.’

મેં કહ્યું: ચુનિયા આવું બધું કરીને તું પાપમાં પડે છે.' એ મને કહે:છેલ્લે હું પણ ડૂબકી મારી લઈશ એટલે હતો એવો ને એવો!.’ આ કુંભમેળો આવવાનો હતો તે પહેલાં સટોડિયા સિરીઝનો સરતાજ એવો શૈલેષ મને કહેતો હતો કે મારા જેટલા શેરબજારના ક્લાઈન્ટ છે તે બધાને બાય ફલાઈટ લઈને કુંભ જવું છે ને ત્યાં બધાને જલસા કરાવવા છે. મેં કહ્યું: `ત્યાં જલસા નહીં ધર્મ કરવા જવાનું હોય.’

મને હમણાં ગઈકાલે ભેગો થયો હતો મેં પૂછયું: કાં શૈલેષ, બધાને જાત્રા કરાવી આવ્યો?' મને કહે:હમણાં ઊંધી સર્કિટ લાગી તેમાં બધા અહીં જ નહાઈ રહ્યા છે. જે લોકો અહીં ડૂબ્યા એમણે કુંભમાં ડૂબકી મારવાની જરૂર નહીં…!’ ચુનિયાના સાળાએ ઘરમાં ઉપાડો લીધો કે `મારે કુંભમાં જવું જ છે. અહીં કોઈ દીકરી દેતું નથી તો કુંભમાંથી શોધી લાવીશ.!’ એમાંય જ્યારથી મીડિયામાં પેલી ભૂરી આંખવાળી છોકરી વાયરલ થઈ છે ત્યારથી તેમાં ડૂબકી મારવાવાળાની સંખ્યા વધતી જાય છે. આ વખતનો કુંભમેળો ભાતીગળ ઓછો અને હાઈ ટેક વધારે રહ્યો છે. શ્રદ્ધાથી ભક્તિભાવથી જવાવાળાની સંખ્યા જેટલી જ કદાચ રીલ બનાવવાવાળાની સંખ્યા ત્યાં પહોંચે છે.

કુંભના મેળામાં ઘણા ઘણું શોધવા જાય છે. તો ઘણા લોકો ખોવાઈ જવા પણ જાય છે. ફિલ્મની સ્ટોરી પ્રમાણે બે ભાઈ કુંભના મેળામાં ખોવાઈ જતા હોય તેવું ઘણી વાર સાંભળ્યું છે આ સાંભળેલી વાત પર ઘણા પરિણીત પુરુષો પત્નીને લઈ અને કુંભના મેળામાં જાય છે. કાને સાંભળેલી વાત પર પણ કેટલો વિશ્વાસ ધરાવે છે તે જોવાની વાત છે. પવલાના બાપા એની બાની આંગળી છોડાવી ભીડમાં ગુમ થઈ ગયા, પરંતુ પ્રશાસનનું પોલીસ તંત્ર એટલું સજાગ છે કે બાપા 15 કિલોમીટર છેટે પહોંચી ગયા છતાં મોઢાના વર્ણન પરથી ચંદુ બાપાને મંછા માસી ભેગા કરી દીધા. ચંદુ બાપાએ મોટો નિહાહો નાખેલો કે: `આવી તે કાંઈ વ્યવસ્થા હોય? માણસને કુંભમાં સ્નાન કરી માત્ર પાપથી જ નહીં બીજા કંઈકથી પણ છુટકારો જોઈતો હોય. એ વખતે એને ગોતી લેવા જરૂરી હોય છે? ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે.’

હિન્દીભાષી પોલીસવાળાએ ચંદુ બાપાનાં દુ:ખનાં આંસુને હર્ષનાં આંસુ સમજી માસીને સોંપી દીધા. આ વર્ષે મહાકુંભમાં પુરુષોની સંખ્યા ખૂબ વધી ગઈ છે જેટલા જાય છે તેટલા પાછા નથી આવતા. બહેનો, આ વિશે ગંભીરતાથી વિચારે….

વિચારવાયુ: જે લોકો આ કુંભમેળામાં ન જઈ શક્યા હોય તે લોકો ચિંતા ના કરે. હું આવતા કુંભમાં મારા ખર્ચે જરૂર લઈ જઈશ. ત્યાં સુધી પાપ ન કરશો, જાળવી જજો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને